VIDEO: ધોરાજીમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ! કુવા અને ચેકડેમો ખાલીખમ
ધોરાજીમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ!
કુવા અને ચેકડેમો ખાલીખમ
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદે અચાનક વિરામ લેતાં કૃષિ ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા પ્રારંભિક વાવેતર બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં ખેતરો સુકાઈ રહ્યા છે. વરસાદી ખેંચના કારણે ધોરાજી વિસ્તારના તળાવો, કૂવા, બોરવેલ અને ચેકડેમો તળિયાઝાટક થઈ ગયા છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. સ્થાનિક ધરતીપુત્રોએ મસમોટા આર્થિક ખર્ચે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા મુખ્ય રોકડિયા પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, સતત ૪૫ દિવસથી વરસાદ ન પડતાં અને સિંચાઈના અન્ય સાધનો પણ જવાબ આપી દેતાં તમામ ઉભા પાકો મુરઝાવા લાગ્યા છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે.
કપાસ, મગફળી અને સોયાબીનનો પાક થયો નિષ્ફળ!
ધોરાજી પંથકને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની આકરી માગ!
જળસંકટ ઘેરૂં બનતાં ધોરાજીના ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે તાકીદે મદદ પૂરી પાડવાની જોરદાર માગ કરવામાં આવી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે સૌની યોજના હેઠળ કેનાલો મારફતે ખેતરો સુધી સિંચાઈનું પાણી તાત્કાલિક પહોંચાડવામાં આવે. જો સમયસર સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો સમગ્ર ધોરાજી પંથકની ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. બરબાદીના આરે પહોંચેલા ખેડૂતોએ એકસૂરે સરકાર પાસે માગ કરી છે કે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકને ત્વરિત અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ ઉપરાંત પાક નુકસાનીનું વળતર અને વિશેષ સરકારી આર્થિક સહાય પેકેજ તાકીદે જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી ઉગારી શકાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

