VIDEO: બ્રહ્મપુત્ર નદીના કિનારે હાઇડ્રોકાર્બન એટલે કે ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે
દેશમાં પેટ્રોલિયમ અને ઊર્જાના ક્ષેત્ર માટે આસામથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધેમાજી જિલ્લાના જોનાઈ વિસ્તારમાં આવેલા કબુ ચાપોરીમાં ઊંડા ભૂગર્ભમાંથી હાઇડ્રોકાર્બન એટલે કે ક્રૂડ ઓઇલનો જથ્થો મળ્યો છે. આ વિસ્તાર બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠા પર આવેલો છે. કબુ ચાપોરી-1 કૂવામાં 4,300 મીટરથી વધુ ઊંડાઈ સુધી ડ્રિલિંગ કર્યા બાદ આ મહત્વપૂર્ણ જત્થો મળી આવ્યો છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા લાંબા સમયથી કરવામાં આવેલી એક્સપ્લોરેશન અને સિસ્મિક સ્ટડી બાદ આ પરિણામ મળ્યું છે. ખાસ વાત એ છે કે બ્રહ્મપુત્રના ઉત્તર કાંઠે હાઇડ્રોકાર્બનની હાજરી સ્થાપિત થવાનો આ પ્રથમ નોંધપાત્ર પ્રયોગ છે. જેના કારણે આસામના આ ભૌગોલિક પટ્ટામાં ભવિષ્યમાં વધુ તેલ-ગેસ સંશોધનની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત થયું છે.
કબુ ચાપોરી સામાન્ય જમીન વિસ્તાર નહીં પરંતુ નદીકાંઠાના બદલાતા ભૂ-આકાર અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશનો ભાગ છે. કબુ ચાપોરીને પોબા રિઝર્વ ફોરેસ્ટ અને દિબ્રુ-સૈખોવા નેશનલ પાર્ક સાથે જોડાયેલા મહત્વના પર્યાવરણીય ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓઇલ ઇન્ડિયા માટે પડકાર છે કે અહીં મળેલું ક્રૂડ હેવી ક્રૂડ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય ઉત્પાદન પદ્ધતિથી તેને સતત સપાટી પર લાવવાનું સરળ નથી, તેથી કંપની હવે આવી ટેક્નોલોજી શોધી રહી છે જેનાથી આ હેવી ક્રૂડનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન શક્ય બને.
ઓઇલ ઇન્ડિયાએ આ માટે વૈશ્વિક ટેક્નોલોજી અને નિષ્ણાતોની મદદ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. નવી શોધનો અર્થ એ નથી કે આસામમાં તાત્કાલિક મોટા પાયે પેટ્રોલ અથવા ડીઝલનું ઉત્પાદન શરૂ થઈ જશે. હાલમાં મળેલી હાઇડ્રોકાર્બનને કેટલી સરળતાથી બહાર કાઢી શકાય, કેટલો જથ્થો ઉપલબ્ધ છે અને ઉત્પાદન ખર્ચ કેટલો રહેશે તે પણ મહત્વનું છે.
નવા શોધાયેલા એક્સપ્લોરેશન બ્લોકનો વિસ્તાર પણ મોટો છે. જેમાં આસામના ધેમાજી ઉપરાંત તિનસુકિયા અને ડિબ્રુગઢના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બ્લોકનો મોટો હિસ્સો બ્રહ્મપુત્ર નદીના વિસ્તારમાં આવે છે. ટેકનિકલ અભ્યાસોમાં જથ્થો અને ઉત્પાદનની વ્યવહારિકતા સંતોષકારક સાબિત થાય તો આ શોધ આસામના તેલ-ગેસ ક્ષેત્ર માટે નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે. સ્થાનિક સ્તરે રોકાણ, રોજગાર તથા ઊર્જા સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે.
----- બ્યુરો રિપોર્ટ - જીએસટીવી

