VIDEO: ઓડિશાના ભદ્રકમાં આકાશી આફતથી હાહાકાર પૂરના પાણી ગામડાંઓ સહિત શહેરમાં ઘૂસ્યા!
ઓડિશાના ભદ્રકમાં આકાશી આફતથી હાહાકાર
પૂરના પાણી ગામડાંઓ સહિત શહેરમાં ઘૂસ્યા!
અવિરત વરસાદથી ભદ્રક ટાઉન જળમગ્ન
ઓડિશાના ભદ્રક જિલ્લામાં વિરામ વગર વરસી રહેલા આફતના વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ અને નાળાઓમાં પૂરના પાણી ઓવરફ્લો થવાના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ભદ્રક ટાઉન જળબંબાકાર બની ગયું છે. આ અનરાધાર વરસાદે ભદ્રકના જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.ભદ્રક શહેરના નીચાણવાળા સોસાયટી વિસ્તારો, મુખ્ય બજારો અને સરકારી ઈમારતોમાં પૂરના કાદવ વાળા પાણી ઘૂસી જતાં મોટું સંકટ ઊભું થયું છે. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો જળમગ્ન થઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેનાથી ગ્રામજનો અને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
ઘરો અને બજારોમાં પાણી ભરાતાં જનજીવન ઠપ!
માર્ગો પર ફસાયા વાહનો, ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા નાગરિકો!
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, અચાનક વધી ગયેલા પૂરના જળસ્તરથી ઘરવખરી અને કિંમતી સામાન પલળીને બરબાદ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને આપદા પ્રબંધન ટુકડીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બોટ તૈનાત કરાઈ છે અને કામચલાઉ આશ્રય સ્થાનો પર ભોજન તથા પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભદ્રકથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટના દ્રશ્યોમાં જળમગ્ન બનેલા શહેરી માર્ગો, ઘરોમાં ભરાયેલા પૂરના પાણી અને ટ્રેક્ટર તથા બોટ મારફતે બચાવ કાર્ય કરતી ટીમો સ્પષ્ટ જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હોવાથી વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરીને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

