VIDEO: ઓડિશાના મલ્કાનગિરીમાં પૂરનો પ્રકોપ!
ઓડિશાના મલ્કાનગિરીમાં પૂરનો પ્રકોપ
સબેરી નદીના રૌદ્ર સ્વરૂપથી ગ્રામીણ વિસ્તારો જળમગ્ન!
ઓડિશાના મલ્કાનગિરી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે મુસળધાર વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંની સબેરી નદીના પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી જતાં નદી કિનારાના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. આ પૂરના ધસમસતા પ્રવાહમાં સબેરી નદી વચ્ચે એક જ પરિવારના પાંચ સભ્યો અચાનક ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર સર્વિસ અને આપદા પ્રબંધન વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ફાયર ફાઈટર્સે ભારે મુશ્કેલ પરિસ્થિતિઓ અને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે લાઇફ જેકેટ તથા બોટની મદદથી સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની આકરી મથામણ બાદ પૂરના પાણીમાં ફસાયેલા પરિવારના તમામ પાંચ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નવો જન્મ આપવામાં આવ્યો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
સબેરી નદીમાં ફસાયેલા એક જ પરિવારના ૫ લોકોનો આબાદ બચાવ!
બીજી તરફ, વણસતી જતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મલ્કાનગિરીના એડીએમ સોમનાથ પ્રધાને પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. વહીવટી અધિકારીઓએ જિલ્લાના અસરગ્રસ્ત ગામો અને વિસ્થાપિત વિસ્તારોમાં પહોંચીને રાહત કામગીરી, આશ્રયસ્થાનો અને પાણીના નિકાલની વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અધિકારીઓએ તંત્રને તમામ અસરગ્રસ્તો સુધી સમયસર ખોરાક, પીવાનું શુદ્ધ પાણી અને તબીબી સહાય પહોંચાડવા કડક આદેશ આપ્યા છે. મલ્કાનગિરી અને સબેરી નદી વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ફાયર બ્રિગેડનું સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પગપાળા નિરીક્ષણ કરતા એડીએમ સોમનાથ પ્રધાન સ્પષ્ટ જોઈ શકાય છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર મલ્કાનગિરી જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

