VIDEO: દિલ્હીમાં મેઘતાંડવ મુસળધાર વરસાદથી દેશની રાજધાની થઈ જળબંબાકાર!
દિલ્હીમાં મેઘતાંડવ
મુસળધાર વરસાદથી દેશની રાજધાની થઈ જળબંબાકાર!
મહાનગરમાં કલાકો સુધી વાહનોના ચક્કાજામ!
મહેરોલી, મહિપાલપુર અને સંગમ વિહારમાં ભરાયા ઘૂંટણસમા પાણી!
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલા મુસળધાર વરસાદે સમગ્ર દિલ્હીને જળબંબાકાર કરી દીધું છે. કલાકો સુધી વરસેલા ભારે વરસાદના કારણે રાજધાનીના મુખ્ય માર્ગો, ફ્લાયઓવર અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અવિરત વરસાદને પગલે દિલ્હીના ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલ્લી પડી ગઈ છે અને સામાન્ય જનજીવન ભારે અસ્તવ્યસ્ત બની ગયું છે. સુલ્તાનપુરી મેટ્રો સ્ટેશન નીચે, મહેરોલી, મહિપાલપુર, સૈનિક ફાર્મ અને સંગમ વિહાર જેવા પોશ તેમજ ગીચ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત આનંદ પર્વત-ઝખીરા ફ્લાયઓવર નજીક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 પર ભારે જળભરાવને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુખ્ય માર્ગો પર અનેક કાર, બસો અને દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
અવિરત વરસાદે ખોલી પ્રશાસનની પોલ, સ્થાનિકોમાં ભારે આક્રોશ!
આનંદ પર્વતથી સૈનિક ફાર્મ સુધી માર્ગો બન્યા તળાવ!
વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશો અને વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. દિલ્હીના વ્યસ્ત માર્ગો પર સર્જાયેલા ભયાનક ટ્રાફિક જામના કારણે નોકરીયાતો અને દૈનિક મુસાફરો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા હતા. સ્થાનિક રહીશો તંત્રની અણઘડ કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે દર ચોમાસે રાજધાનીમાં આવી જ કટોકટીભરી સ્થિતિ સર્જાય છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો રસ્તા પર ઉતરી આવી છે. પંપ મૂકીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની આગાહી કરી હોવાથી પ્રશાસને નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

