VIDEO: જામનગરમાં વરસાદથી ખેડૂતો ત્રાહિમામ! ફાયદાને બદલે ખેડૂતોને વેઠવું પડ્યું ભારે નુકસાન!
જામનગરમાં વરસાદથી ખેડૂતો ત્રાહિમામ!
ફાયદાને બદલે ખેડૂતોને વેઠવું પડ્યું ભારે નુકસાન!
મગફળી અને કપાસનો પાક સંપૂર્ણપણે થયો બરબાદ
જામનગર પંથકમાં મોડા પધારેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વિસ્તારમાં વરસેલા મોડા વરસાદથી ફાયદા કરતાં નુકસાનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. યોગ્ય સમયે વરસાદ ન વરસતાં ખેતરોમાં વાવેલો મગફળી અને કપાસનો મુખ્ય પાક બળીને ખાખ થઈ ગયો છે. અંતિમ તબક્કામાં પડેલા આ વરસાદથી સુકાઈ ગયેલા પાકને કોઈ જીવતદાન મળી શક્યું નથી, જેના કારણે સ્થાનિક ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. ઠેબા ગામના ખેડૂતોએ પોતાનો આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જરૂરિયાતના સમયે વરસાદ ન આવવાથી ખેતરોમાં કરાયેલું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. મગફળી અને કપાસના પાકને સખત નુકસાન પહોંચ્યું છે. આટલું જ નહીં, આગામી શિયાળુ સિઝન માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થાય તેવી કોઈ આશા ન દેખાતાં ખેડૂતોનું ભવિષ્ય ધૂંધળું બની ગયું છે.
મોડા વરસાદથી ઢોર-ઢાંખર માટે ૨૦ દિવસના ઘાસચારાની રાહત!
જામનગરના ધરતીપુત્રોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો!
જોકે, આ મોડા વરસેલા વરસાદની એકમાત્ર સકારાત્મક બાજુ એ છે કે તેનાથી માલધારીઓ અને પશુપાલકોને થોડી રાહત મળશે. વરસાદના કારણે જમીનમાં ભેજ આવતાં ઢોર-ઢાંખર માટે આગામી વીસેક દિવસ ચાલે તેટલો ઘાસચારો ઊગી નીકળશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જે ખેડૂતો પાસે પોતાના કુવા કે બોર જેવા પિયતની પોતાની સગવડ છે તેમને કદાચ આંશિક ફાયદો થઈ શકે છે, પરંતુ વરસાદ આધારિત ખેતી કરતા સીમાંત ખેડૂતો માટે તો આ સિઝન સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે. આમ, જામનગર પંથકમાં મોડા આવેલા વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. વાવણીથી લઈને ખાતર અને બિયારણ પાછળ કરાયેલો તમામ ખર્ચ માટીમાં મળી જતાં ચાલુ સિઝનમાંથી કોઈ આર્થિક વળતર મળે તેવી શક્યતા નહિવત બની છે. કુદરતના આ કોપ સામે લાચાર બનેલા જામનગરના ધરતીપુત્રો હવે સરકાર સમક્ષ યોગ્ય સર્વે કરાવીને આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી આતુરતાપૂર્વક માંગ કરી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

