VIDEO: જામનગરમાં ૩૦ ટકાથી ઓછા વરસાદે ખેડૂતો અને પશુપાલકોની કમર ભાંગી!
જામનગરમાં ૩૦ ટકાથી ઓછા વરસાદે ખેડૂતો અને પશુપાલકોની કમર ભાંગી!
મગફળી અને કપાસ બળીને ખાખ, જામનગરને તાત્કાલિક 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની માંગ!
પશુઓ માટે ઘાસચારો ગાયબ, તંત્રની નિષ્ક્રિયતા સામે ધરતીપુત્રોનો આક્રોશ!
જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં કટોકટીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. અપૂરતા વરસાદને કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર ૩૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાતા ખેતરો સુકા ભઠ્ઠ બની ગયા છે. મોંઘાદાટ ખાતર, બિયારણ અને કિંમતી દવાઓનો છંટકાવ કર્યા પછી પણ પૂરતું પાણી ન મળતા ઊભો પાક નિષ્ફળ જવાની આરે પહોંચી ગયો છે, જેનાથી ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતોની સ્થિતિ દર્શાવતા અલિયાબાડાના જયેશભાઈ આહીર અને મોટા થાવરિયાના શૈલેષભાઈ ચોવટિયા જેવા ખેડૂતો ભારે આર્થિક સંકટ અનુભવી રહ્યા છે. શૈલેષભાઈની ૧૦ વીઘાની મગફળી અને ૧૨ વીઘાનો કપાસ વરસાદના અભાવે સુકાઈને ખાખ થઈ રહ્યો છે. વાવેતર પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. પાક નિષ્ફળ જવાની સાથે સાથે હવે પશુઓ માટે ઘાસચારાની પણ ગંભીર અછત ઊભી થઈ છે, જેનાથી પશુપાલન પર પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
દેવાના બોજ હેઠળ જામનગરનો ખેડૂત!
ખૂણે-ખૂણેથી એક જ પોકાર, "અમને દુષ્કાળ રાહત આપો!"
તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરના દેવા હેઠળ દબાયેલા ધરતીપુત્રો માટે હવે પશુઓને જીવાડવા પણ મુશ્કેલ બન્યા છે. કડક પરિસ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતો અને પશુપાલકો હવે સરકાર સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે, જેથી આ આર્થિક અને પ્રાકૃતિક આફતમાંથી તેઓ ઉગરી શકે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને જામનગરના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જિલ્લાને તાત્કાલિક અસરથી 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવામાં આવે. આ સાથે જ પશુઓ માટે મફત ઘાસચારાની વ્યવસ્થા કરવા અને ખેડૂતોનું ખેતી વિષયક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની અપીલ કરાઈ છે. જો સમયસર સરકારી મદદ નહીં મળે તો ખેડૂતો અને પશુપાલકો માટે પોતાનું ગુજરાન ચલાવવું પણ અશક્ય બની જશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

