VIDEO: મહેસાણામાં ૨.૫૭ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ વરસાદ ખેંચાતાં ઉભા પાક પર સંકટના વાદળો!
મહેસાણામાં ૨.૫૭ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ
વરસાદ ખેંચાતાં ઉભા પાક પર સંકટના વાદળો!
ટપક-ફુવારા પદ્ધતિથી લાઈફ સેવિંગ ઈરિગેશન આપવા અપીલ!
મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે ખરીફ ઋતુનું વાવેતર આખરી તબક્કામાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે જિલ્લામાં ૨.૮૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૨ લાખ ૫૭ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, વાવેતર સંપન્ન થયા બાદ અચાનક મેઘરાજાએ ખેંચ અપાતાં જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, જેના લીધે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.વરસાદી ખેંચના લીધે ખેતરોમાં લહેરાતો પાક સુકાઈને નિષ્ફળ જવાની આશંકા સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કિંમતી પાક બચાવી લેવા માટે વિશેષ માર્ગદર્શન અને સલાહ જારી કરવામાં આવી છે. કૃષિ નિષ્ણાતોના મતે વર્તમાન સ્થિતિમાં પાકને નવજીવન આપવા માટે ટ્યુબવેલ આધારિત પિયત વ્યવસ્થા કરીને જીવનરક્ષક પિયત આપવું અત્યંત અનિવાર્ય બની ગયું છે.
મેઘરાજાના રિસામણાથી ખેડૂતો ચિંતાતુર
અછતના સમયે પાણી બચાવી ખેતી ટકાવવા વિનંતી!
જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું છે કે પાણીના દરેક ટીંપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. ખેડૂતોએ પરંપરાગત ધોરિયા પિયતના બદલે એકાંતરા ચાસે પાણી આપવું જોઈએ. આ ઉપરાંત ટપક અને ફુવારા જેવી આધુનિક સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવીને પાકને બચાવવાનો આગ્રહ રખાયો છે. જો આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ થશે તો જિલ્લામાં દીવેલાના વાવેતરનો વિસ્તાર હજુ પણ વધવાની પૂરતી શક્યતાઓ છે.બીજી તરફ, સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ઉપલબ્ધ સિંચાઈના સાધનો વડે પાક સાચવવાનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ કુદરતી વરસાદનો કોઈ વિકલ્પ નથી. હાલની સ્થિતિમાં અછતવાળા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ઉભા પાકને બચાવવો એ જ તમામ ખેડૂતો માટે મુખ્ય પ્રાથમિકતા બની ગઈ છે. હવે સમગ્ર મહેસાણા પંથકના કૃષિકારોની નજર આકાશ તરફ ટકેલી છે કે વરુણદેવ વહેલી તકે મહેરબાન થાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

