VIDEO: જળ સંરક્ષણથી બદલાઈ કિસ્મત, ૪૦૦ ગામોની મહેનતથી ૩ બ્લોક ડાર્ક ઝોનમાંથી મુક્ત!
રાજનંદગાંવમાં જળ ક્રાંતિનો શંખનાદ
૪૦૦ ગામોની મહેનતથી ૩ બ્લોક ડાર્ક ઝોનમાંથી મુક્ત!
જળ સંરક્ષણથી બદલાઈ કિસ્મત
છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં જળ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. જિલ્લાના ૪૦૦ થી વધુ ગામડાઓમાં ચલાવવામાં આવેલા વ્યાપક જળ અભિયાનના ફળસ્વરૂપે અતિ-શોષિત અને જોખમી જળસ્તર ધરાવતા ત્રણ જેટલા બ્લોક ક્રાંતિકારી ફેરફાર સાથે ગંભીર ગ્રાઉન્ડવાટર ઝોનમાંથી બહાર આવી ગયા છે. ગ્રામીણ સ્તરે હાથ ધરાયેલા ભૂગર્ભ જળ રીચાર્જિંગ અને જળ સંચયના ભગીરથ પ્રયાસોના કારણે આજે આખી સિદ્ધિ હાસિલ થઈ શકી છે.આ ભગીરથ કાર્યમાં જિલ્લા પ્રશાસન અને સામાજિક સંસ્થાઓ વચ્ચે અદ્ભુત તાલમેલ જોવા મળ્યો હતો. રાજનંદગાંવના જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર યાદવ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ફૂલબાસન યાદવના સંયુક્ત માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગામડે-ગામડે બોરી બંધાન, ખેત તલાવડી, રેન વોટર હાર્વેસ્ટિંગ અને પરંપરાગત જળ સ્ત્રોતોના પુનરુદ્ધારનું માળખું ઊભું કરીને પાણીની એક-એક બુંદનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
પદ્મશ્રી ફૂલબાસન અને પ્રશાસનની મહેનત લાવી રંગ!
જનભાગીદારીથી વધ્યું ભૂગર્ભ જળસ્તર, પાણીનું સંકટ થયું દૂર!
બુંદે-બુંદ પાણી બચાવીને દેશ સમક્ષ રજૂ કર્યું ઉત્તમ ઉદાહરણ!
આ સફળ જળ સંરક્ષણ અભિયાન અંગે હરખ વ્યક્ત કરતાં ડીએમ જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રામજનો અને મહિલા સ્વસહાય જૂથોના અવિરત સહયોગ વગર આ અશક્ય સિદ્ધિ શક્ય બની ન હોત. પદ્મશ્રી ફૂલબાસન યાદવે પણ જનભાગીદારીની તાકાતને બિરદાવતાં કહ્યું કે, જ્યારે સમાજ અને પ્રશાસન એક થઈને જળ સંચયનો સંકલ્પ લે છે ત્યારે કુદરત પણ સાથ આપે છે. આ મોડેલથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થતાં ખેતી અને પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે.રાજનંદગાંવથી સામે આવેલા દ્રશ્યોમાં બહેનો દ્વારા જળ સંચયની કામગીરી, રીચાર્જિંગ કૂવા અને અભિયાનની સમીક્ષા કરતા ડીએમ જિતેન્દ્ર યાદવ તથા પદ્મશ્રી ફૂલબાસન યાદવ સ્પષ્ટ જોઈ શકાય છે. ભૂગર્ભ જળના અતિશય વપરાશ સામે લડીને ક્રાંતિ સર્જનાર રાજનંદગાંવનું આ વાટર મેનેજમેન્ટ મોડેલ આજે સમગ્ર દેશ અને રાજ્ય માટે જળ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રેરણાસ્રોત બની ગયું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

