VIDEO: પૂરના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ
ઓડિશામાં વરસાદી આફત ત્રાટકી
મયૂરભંજમાં બુઢાબલંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
બારીપદામાં ઈમરજન્સી જાહેર, ઘોડાપૂરથી હાહાકાર!
ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં અવિરત વરસી રહેલા આફતના વરસાદના કારણે બુઢાબલંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીની જળસપાટી ક્ષણવારમાં ભયજનક નિશાન વટાવી જતાં બારીપદા શહેર સહિતના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મયૂરભંજ જિલ્લા પ્રશાસન દ્વારા બારીપદામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા આદેશો જારી કરાયા છે. પૂરના કારણે માર્ગો જળમગ્ન થતાં જિલ્લાના ખૂણેખૂણે અનેક નાગરિકો જીવના જોખમમાં મુકાયાના અહેવાલો સાંપડ્યા છે. ખૂંટા વિસ્તારમાં જળબંબાકાર થયેલા રસ્તા પર ફસાયેલી બોલેરો કારના ચાલકને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને સાહસિક કામગીરી દ્વારા ઉગારી લીધો હતો. જ્યારે નહરપાડા ગામ નજીક પૂરના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી, જેમાં ફસાયેલા બે લોકોને સ્થાનિક ગ્રામજનોએ આશરે બે કલાકની ભારે જહમત બાદ સલામત બહાર કાઢ્યા હતા.
પૂરના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ
૨ કલાકની ભારે મથામણ બાદ ૨ લોકોનો ચમત્કારિક બચાવ!
નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, તંત્ર દ્વારા મોટા પાયે સ્થળાંતર!
વણસતી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. મયૂરભંજ જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તાપસ કુમાર મોહંતાએ જણાવ્યું હતું કે, બુઢાબલંગા નદીના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. નદીકાંઠાના વિસ્તારોમાં ચોકીપહેરો વધારી દેવામાં આવ્યો છે અને પૂર પીડિતો માટે ભોજન, પીવાનું પાણી તથા તબીબી સુવિધાઓની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. મયૂરભંજથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં બુઢાબલંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, પાણીના પ્રવાહમાં તણાતી ગાડીઓ અને ફાયર વિભાગ સહિત સ્થાનિકો દ્વારા કરાતી બચાવ કામગીરી સ્પષ્ટ જોઈ શકાય છે. વરસાદી આફત અને પૂરના સંકટને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લામાં આપદા પ્રબંધન ટુકડીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, જ્યારે નાગરિકોને નદીકાંઠા અને જળમગ્ન રસ્તાઓ તરફ ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

