VIDEO: ત્રિશુલી ૩A ટનલમાંથી આશાનું કિરણ: ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થપાયો, નેપાળ આર્મીનું મોટું ઓપરેશન!
નેપાળના નુવાકોટ જિલ્લામાં ભયાનક પૂર અને ભૂસ્ખલન બાદ હવે મોટા પાયે રાહત, બચાવ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રહાર બાદ ત્રિશુલી-૩A હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે બચાવ ટુકડીઓને મોટી સફળતા મળી છે. રેસ્ક્યૂ વર્કર્સે ટનલ અંદર ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે, જેનાથી તેમને સલામત બહાર કાઢવાની આશા પ્રબળ બની છે. બીજી તરફ, નુવાકોટના દેવીઘાટ સહિતના વિવિધ વિસ્તારોમાં પૂર ઓસરતાં જ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. નેપાળ આર્મીના જવાનો સ્થાનિક રહીશો સાથે મળીને બુલડોઝર અને ભારે મશીનરીની મદદથી ક્ષતિગ્રસ્ત ઘરો તથા માર્ગો પરથી કાદવ અને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. ડ્રોનથી લેવાયેલી તસવીરોમાં આખાય વિસ્તારમાં માટી અને કાટમાળનું સામ્રાજ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પૂર બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ માટે સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે નેપાળી સેના અને રાહત ટુકડીઓ ખૂણેખૂણા ફેંદી રહી છે. પોતાના ધ્વસ્ત થયેલા ઘરોમાંથી કાદવ હટાવી રહેલા સ્થાનિક લોકો માટે આ સ્થિતિ અત્યંત વેદનાદાયક બની રહી છે, છતાં પણ તેઓ સેના સાથે ખભેખભો મિલાવીને પુનઃવસનના પ્રયાસો કરી રહ્યા છે. હાલ નુવાકોટના પૂર પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સેના દ્વારા અસરગ્રસ્તો સુધી પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ટનલમાં ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા અને વિસ્થાપિત નાગરિકોને અસ્થાયી આશ્રય આપવા માટે નેપાળ સરકાર અને સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

