VIDEO: હરિદ્વારમાં ગણેશોત્સવની ધૂમ ઇકો-ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓની માંગમાં મોટો ઉછાળો!
હરિદ્વારમાં ગણેશોત્સવની ધૂમ
ઇકો-ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓની માંગમાં મોટો ઉછાળો!
ધર્મનગરી હરિદ્વારમાં ગણેશ ચતુર્થીના મહાપર્વને લઈને ભક્તો અને મૂર્તિકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હરિદ્વારમાં ઇકો-ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ગંગા કિનારે આવેલા આ પવિત્ર શહેરમાં પર્યાવરણની જાળવણી અને ગંગાજીની પવિત્રતા જાળવવાના હેતુથી ભક્તો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના બદલે માટીના ગણપતિની સ્થાપના કરવા તરફ વળી રહ્યા છે. હરિદ્વાર સ્થિત પરેડા મૂર્તિ કલા કેન્દ્ર ખાતે જાણીતા મૂર્તિકાર કાલી ચરણ પરેડા અને તેમની ટીમ દ્વારા રાત-દિવસ એક કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.. મૂર્તિકાર પરેડાના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતાં શુદ્ધ ગંગા કિનારાની માટી અને કુદરતી રંગોમાંથી બનાવેલી પ્રતિમાઓની ભારે માંગ છે. આ માટીની મૂર્તિઓ વિસર્જન વખતે પાણીમાં ત્વરિત ઓગળી જાય છે, જેનાથી જળ પ્રદૂષણ થતું નથી.
શુદ્ધ માટીની મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભીડ!
વિસર્જન વખતે સરળતાથી ઓગળતી મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર!
બીજી તરફ, મૂર્તિ ખરીદવા પહોંચેલા સ્થાનિક શ્રદ્ધાળુઓએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે તહેવારની ઉજવણી સાથે પ્રકૃતિની સુરક્ષા કરવી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવાથી ઘરની અંદર જ કુંડામાં સરળતાથી વિસર્જન કરી શકાય છે. હરિદ્વારના બજારોમાં હાલ અવનવી ડિઝાઇન અને આકર્ષક કદ ધરાવતી માટીની ગણેશ પ્રતિમાઓ ખરીદવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હરિદ્વારથી આવેલા દ્રશ્યોમાં મૂર્તિકારો કલાત્મક રીતે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ કંડારી રહ્યા છે અને ખરીદદારો ઉત્સાહભેર બુકિંગ કરાવી રહ્યા છે. ધર્મનગરી હરિદ્વારથી શરૂ થયેલી આ પર્યાવરણલક્ષી પહેલ સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે, જેનાથી આ વખતનો ગણેશોત્સવ માત્ર ભક્તિમય જ નહીં પરંતુ પ્રકૃતિપ્રેમી અને પ્રદૂષણમુક્ત પણ બનશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

