VIDEO: રણબીર કપૂરે સ્ટેજ પર જતા જ કેમ હાથ જોડીને માંગી માફી? 'રામાયણ'ના ટ્રેલર લોન્ચનો આ વીડિયો વાયરલ!
રામાયણ (ભાગ-1)માં શ્રીરામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા રણબીર કપૂર જ્યારે શનિવારે ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યા, ત્યારે તેમણે પોતાની વાતની શરૂઆત જ માફી માંગીને કરી હતી. પરંતુ એવું તો શું થયું કે રણબીર કપૂરે માફી માંગવી પડી? વાસ્તવમાં નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર દેશભરના દર્શકો માટે 24 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. પરંતુ કેટલાક ખાસ લોકો માટે તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું. ફિલ્મના આ ટ્રેલર સ્ક્રીનિંગ ઇવેન્ટમાં રણબીર કપૂર સહિત ફિલ્મના અન્ય કલાકારો પણ હાજર હતા. જોકે, રણબીર કપૂર આંખો પર કાળા ચશ્મા પહેરીને પહોંચ્યા હતા.
ટ્રેલર ઇવેન્ટમાં કેમ ઓડિયન્સ પાસે માફી માંગી?
રણબીર કપૂર સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે 'જય શ્રી રામ'નો નારો લગાવ્યો. રણબીરે ઓડિયન્સને કહ્યું, "નમસ્તે. હું આપ સૌની માફી માંગવા માંગું છું કે મેં આ કાળા ચશ્મા પહેર્યા છે. મારી આંખોમાં ઇન્ફેક્શન (ચેપ) થયું છે, પરંતુ આ શુભ અવસરે મારા દિલમાં માત્ર અફેક્શન (પ્રેમ) છે. તેથી પ્લીઝ મને આ માટે ક્ષમા કરજો." ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે રણબીરને તેની પુત્રી તરફથી આંખોનું ઇન્ફેક્શન (કન્જેક્ટિવિટીઝ/આંખો આવવી) થઈ ગયું છે. આમ છતાં, પોતાના કામ પ્રત્યે સમર્પણ બતાવીને તે રામાયણના ટ્રેલર લોન્ચ સ્ક્રીનિંગનો હિસ્સો બન્યો હતો.
રણબીર કપૂર સામે છે મોટો પડકાર
ઇવેન્ટમાં રણબીર કપૂરે પોતાની વાત આગળ વધારતા કહ્યું, "પહેલા હું અરૂણજી સાથે વાત કરવા માંગીશ." રણબીરે આટલું કહેતા જ રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવી ચૂકેલા અરૂણ ગોવિલ ઉભા થઈ ગયા. આ જોઈ રણબીર કપૂરે કહ્યું- "સર, તમે પ્લીઝ બેઠા રહો. તમે આટલા વર્ષો સુધી આ જવાબદારી ખૂબ જ સુંદરતા, નિષ્ઠા અને ગરિમા સાથે નિભાવી છે. જે કોઈએ પણ રામાનંદ સાગરની રામાયણ જોઈ છે, તે તમારાથી ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રેરિત થયો છે. જે રીતે તમે રામનું પાત્ર ભજવ્યું હતું, જો હું તેનો એક નાનો અંશ પણ કરી શકીશ, તો હું માનીશ કે મારી મહેનત સફળ થઈ ગઈ." રણબીર કપૂરની આ વાત સાંભળીને અરૂણ ગોવિલ હસી પડ્યા હતા.
પછી કોઈ અરૂણ ગોવિલ જેવા રામ ન બની શક્યું
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઘણી વખત રામાયણ બની ચૂકી છે, પરંતુ રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર જે સુંદરતાથી અરૂણ ગોવિલે ભજવ્યું, તેવું ફરી ક્યારેય કોઈ ન કરી શક્યું. આવી જ રીતે 'દેવો કે દેવ - મહાદેવ' સિરિયલમાં મોહિત રૈનાએ જે સુંદરતાથી મહાદેવનું પાત્ર ભજવ્યું હતું, તેવું ફરી ક્યારેય કોઈ ન કરી શક્યું. દેખીતી રીતે જ રણબીર કપૂર માટે આ પડકાર બિલકુલ સરળ નથી. ભલે તે મોટા પડદાના લોકપ્રિય કલાકાર છે, પણ જો તેઓ અરૂણ ગોવિલના અભિનયના થોડા ટકા પણ પડદા પર લાવી શકશે, તો જનતા તેને ખુલ્લા દિલથી આવકારશે.

