Video: લુક આઉટ નોટિસ જારી થતાં સિંગર બાદશાહે માંગી માફી, જાણો શું છે સમગ્ર વિવાદ
પોતાના નવા ગીત ‘ટટીરી’ને લઈને સિંગર-રેપર બાદશાહ વિવાદોમાં ફસાયા છે. હરિયાણા પોલીસે આ મામલે સિંગર વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધીને તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. વિવાદ વધતા હવે બાદશાહે એક વીડિયો જારી કરીને આ સમગ્ર મામલે માફી માંગી છે.
બાદશાહે માંગી માફી
બાદશાહે આ મામલે વીડિયો જારી કરતા કહ્યું, ‘મારું નવું ગીત રિલીઝ થયું છે અને મેં જોયું છે કે ઘણા લોકો, ખાસ કરીને હરિયાણાના લોકો, આનાથી આહત થયા છે. મારો આવો કોઈ ઈરાદો નહોતો, પરંતુ જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. હું પોતે હરિયાણાનો છું અને મારી બોલી પણ એવી જ છે. તેમ છતાં કોઈને ઠેસ પહોંચી હોય કે દુઃખ થયું હોય તો હું તે માટે માફી માંગુ છું.’
પંચકુલા પોલીસે જારી કરી હતી લુક આઉટ નોટિસ
આ પહેલા આ સમગ્ર મામલે પંચકુલા પોલીસે એફઆઈઆર નોંધતા બાદશાહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, જેથી આરોપી દેશ છોડીને બહાર ન જઈ શકે.
આ સાથે જ પંચકુલા પોલીસે સંબંધિત વીડિયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા માટે નોટિસ જારી કરી છે. આ સંદર્ભમાં સાયબર પોલીસ સ્ટેશન સેક્ટર-20, પંચકુલામાં કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી સગીર બાળકીઓને સ્કૂલ બેગ ફેંકતી અને અભ્યાસથી દૂર ભાગતી દર્શાવવામાં આવી છે. તેમજ બાદશાહ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સ્કૂલ અને શિક્ષણના વાતાવરણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગીતમાં મહિલાઓ અને યુવતીઓ પ્રત્યે વાંધાજનક અને અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ જોવા મળ્યો છે.

