'પુષ્પા 2' કે 'લાપતા લેડીઝ' નહીં, આ ભારતીય ફિલ્મ છે બરાક ઓબામાની ફેવરિટ, ટોપ 10માં આપ્યું પહેલું સ્થાન

જ્યારે 2024 પૂરું થવાનું છે, ત્યારે સિનેપ્રેમીઓ એવી ફિલ્મો વિશે વાત કરી રહ્યા છે જે આખું વર્ષ દર્શકોના દિલમાં છવાયેલી રહી. જ્યારે 'પુષ્પા 2' ભારતની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ છે, ત્યારે 'લાપતા લેડીઝ' તેના ઓફબીટ કન્ટેન્ટને કારણે વિશ્વભરના પ્રેક્ષકોની મનપસંદ યાદીમાં સામેલ છે. દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેની આ વર્ષની ટોપ 10 ફેવરિટ ફિલ્મમાં એક ભારતીય ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: આ ફેમસ સિંગરના પુત્રએ કર્યો હતો કાળો જાદુ? બિગ બોસમાં પ્રવેશવા ચઢાવી બકરાની બલિ!
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની ફેવરિટ ફિલ્મોની યાદી શેર કરી છે. પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક સ્તરે વખાણવામાં આવી છે. આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જે બરાક ઓબામાની તેમની ફેવરિટ ફિલ્મોની યાદીમાં સામેલ છે. તેણે શુક્રવારે 20 ડિસેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ યાદી શેર કરી હતી.
બરાક ઓબામાની 2024ની ફેવરિટ ફિલ્મ
બરાક ઓબામાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'અહી કેટલીક ફિલ્મો છે જે હું આ વર્ષે જોવાની ભલામણ કરીશ.' તેણે શેર કરેલા ફોટામાં તેણે લખ્યું, 'બરાક ઓબામાની 2024ની ફેવરિટ મૂવીઝ - ઓલ વી ઈમેજીન એઝ લાઈટ,' 'કોન્ક્લેવ', 'ધ પિયાનો લેસન', 'ધ પ્રોમિસ્ડ લેન્ડ', 'ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ', 'ડ્યુન: પાર્ટ ટુ', 'અનોરા', 'દીદી', 'અ કમ્પ્લીટ અનનોન.'
નર્સની અદ્ભુત વાર્તા છે 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ'
‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ વિશ્વના મંચ પર ઈતિહાસ રચી રહી છે. ફિલ્મ વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે વર્ષની શરૂઆતમાં 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મને તાજેતરમાં બે ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. આ સિવાય પાયલે થોડા દિવસો પહેલા 29મા કેરળ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFK)માં 'સ્પિરિટ ઓફ સિનેમા એવોર્ડ' જીત્યો હતો. આ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ નહતી કરવામાં આવી. ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ એ પ્રભાની વાર્તા છે, જે એક મુશ્કેલીમાં મુકાયેલી નર્સ છે જેને તેના અલગ થઈ ચૂકેલા પતિ તરફથી ગિફ્ટ મળે છે. આ ફિલ્મમાં કની કુસરુતિ, દિવ્યા પ્રભા અને છાયા કદમ જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

