VIDEO: 'તુમ્બાડ' ના નિર્માતા રાહી અનિલ બર્વેનો નવો પ્રયોગ, AI ટૂલ્સનો ઉપયોગ કરી બનાવી ઝીરો બજેટ ફિલ્મ; રિલીઝ થયું ટ્રેલર
કલ્ટ હોરર ફેન્ટસી 'તુમ્બાડ' માટે જાણીતો ફિલ્મ નિર્માતા રાહી અનિલ બર્વે એક નવા પ્રયોગ સાથે પરત ફર્યો છે અને આ વખતે તે કંઈક અલગ કરી રહ્યો છે. દિગ્દર્શકે તેની આગામી સાઈકોલોજીકલ ફોક હોરર ફિલ્મ 'મન પિશાચ' નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને તે 'ઝીરો-બજેટ' ફિલ્મ તરીકે વર્ણવે છે જે મોટાભાગે AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. 80 મિનિટની આ ફિલ્મ 18 માર્ચે યુટ્યુબ પર પ્રીમિયર થવાની તૈયારીમાં છે.
પરંપરાગત પ્રોડક્શન્સથી વિપરીત આ ફિલ્મ મોટાભાગે બર્વે દ્વારા પોતે AI સોફ્ટવેર અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે, જે તેને એક વ્યક્તિનો સર્જનાત્મક પ્રયોગ બનાવે છે. આ પ્રોજેક્ટ દબાયેલી લાગણીઓ, ક્રૂરતા અને માનવ મનની કાળી બાજુને અવગણવાના પરિણામો જેવી ડાર્ક સાઈકોલોજીકલ થીમને એક્સપ્લોર કરે છે.
આ વાર્તા પુરાતત્વ વિભાગ સાથે કામ કરતા જુનિયર અધિકારી સદાશિવ રાવની છે. ચોમાસા દરમિયાન એક ટેકરી તૂટી પડતા તેની નીચે એક રહસ્યમય પથ્થરનો ગુંબજ દેખાય છે, જેના કારણે તેને હડમગાંવ નામના દૂરના ગામમાં મોકલવામાં આવે છે. ગામમાં તેના રોકાણ દરમિયાન રાવ એક યુવાન વિધવા સાવિત્રી સાથે રહે છે અને તે વિચિત્ર પેટર્ન નોટિસ કરે છે, સૂર્યાસ્ત પહેલા દરવાજા બંધ થઈ જાય છે, અંધારા પછી ઉજ્જડ શેરીઓ અને ગામલોકો ટેકરીની આસપાસના રહસ્યો વિશે ચર્ચા કરવા તૈયાર નથી.
ફિલ્મમાં ફક્ત બે કલાકારો યાનીયા ભારદ્વાજ અને દીપક દામલે છે. મેકર્સ દ્વારા આપેલી જાણકારી મુજબ આ પ્રોજેક્ટ 60 પાનાની સ્ક્રિપ્ટ, હાથથી દોરેલા સ્ટોરીબોર્ડ્સ, આઈફોન રેકોર્ડિંગ્સ, ફોટોશોપ, જનરેટિવ AI ટૂલ્સ અને એડોબ આફ્ટર ઈફેક્ટ્સનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો હતો. 'ઝીરો-બજેટ' પ્રોજેક્ટ તરીકે વર્ણવવામાં આવ્યો હોવા છતાં નિર્માણ 33,000 રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે પૂર્ણ થયું હતું.
ફિલ્મ વિશે એક નિવેદનમાં, બર્વેએ કહ્યું, "આ એક ઝીરો બજેટ પ્રયોગ છે. જો તે એક પણ હતાશ કલાકારને ખાલી ખિસ્સા સાથે પણ કંઈક બનાવવામાં અને પ્રક્રિયાનો આનંદ માણવામાં મદદ કરે છે, તો તે મારા માટે જીત છે."
'મન પિશાચ' નો સ્ક્રીનપ્લે ઝાઈ ગુલમહોર દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને AI ફિલ્મ નિર્માણની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંવાદ-આધારિત સીન પર વધુ આધાર રાખવાને બદલે, ફિલ્મ વિઝ્યુઅલ, મૌન અને વોઈઝ નેરેશન પર વધુ આધાર રાખે છે.
બર્વેએ ફિલ્મ નિર્માણમાં AIના વધતા ઉપયોગ પર પણ પ્રતિબિંબ પાડતા કહ્યું કે જ્યારે AI-જનરેટેડ ફિલ્મો ટૂંક સમયમાં સામાન્ય બની શકે છે, ત્યારે તેમની ગુણવત્તા હજુ પણ માનવ સર્જનાત્મકતા અને ઉદ્દેશ્ય પર આધારિત રહેશે. તેણે જણાવ્યું કે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ચાર મહિના લાગ્યા હતા અને દરેક શોટને સિમ્પલ ઓટોમેતટેડ પ્રોમ્પ્ટને બદલે કાળજીપૂર્વક આયોજનની જરૂર હતી.
નિર્માણ પ્રક્રિયા દરમિયાન, દરેક સીનને ડિજિટલી બનાવતા પહેલા કાગળ પર સ્કેચ કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિએ AIની મર્યાદાઓ અને મર્યાદિત સંસાધનોમાં કામ કરતી વખતે સીનના સાતત્ય જાળવવામાં મદદ કરી. 'મન પિશાચ' 18 માર્ચે YouTube પર રિલીઝ થશે.

