VIDEO: વિદેશમાં પણ પ્રિયંકાની 'દેશી ઉછેર'! માલતીને ખોળામાં બેસાડી શીખવ્યો દુર્ગા સપ્તશતીનો મંત્ર!
પ્રિયંકા ચોપરાની ગણતરી હવે ગ્લોબલ સ્ટાર્સમાં થાય છે. બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા હોલિવૂડમાં એક્ટિવ છે અને સતત હોલિવૂડ પ્રોજેક્ટ્સ કરી રહી છે. પ્રિયંકા ભલે ગ્લોબલ સ્ટાર બની ગઈ હોય, પરંતુ ભારત પ્રત્યેનો તેનો પ્રેમ આજે પણ એવો ને એવો જ છે, જેની ઝલક અવારનવાર જોવા મળતી રહે છે. પ્રિયંકા પોતાની પુત્રી માલતી મેરીને પણ ઘણીવાર મંદિર લઈ જાય છે અને તેને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી વાકેફ કરી રહી છે. હવે તેનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે માલતીને શ્રી દુર્ગા સપ્તશતીનો મંત્ર "સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે" શીખવતી જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરાએ પુત્રીને શીખવ્યો દુર્ગા સપ્તશતીનો પાઠ
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ફિલ્મો તથા પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ફોટા-વીડિયો શેર કરતી રહે છે. પ્રિયંકા જેટલું ધ્યાન પોતાના કરિયરનું રાખે છે, એટલું જ ફોકસ તેનું પોતાના પરિવાર પર પણ હોય છે. હવે પ્રિયંકાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની બે અલગ-અલગ પર્સનાલિટી બતાવી છે. પહેલાં વીડિયોમાં તે પોતાની 'મધર ડ્યૂટી' નિભાવતી દેખાઈ, જ્યાં પુત્રી માલતીને ખોળામાં બેસાડીને દુર્ગા સપ્તશતીનો મંત્ર શીખવતી જોવા મળી. તો બીજા વીડિયોમાં તે જોરદાર પાર્ટી કરતી જોવા મળી હતી.
વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન
પ્રિયંકા ચોપરાના આ વીડિયો પર ફેન્સ અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શ્રીમયી રેડ્ડી, રિદ્ધિમા પંડિત, દ્રષ્ટિ ખરબંદા અને અન્ય સેલેબ્સે રેડ હાર્ટ ઈમોજી સાથે વીડિયો પર પ્રેમ વરસાવ્યો છે. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- "દેશી ગર્લમાંથી દેશી મમ્મા." જ્યારે બીજા એક યુઝરે લખ્યું- "બ્યુટીફુલ! એક એવી વ્યક્તિ કે જે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશ બંનેને પોતાના લોહીમાં વસાવીને જીવે છે." તો અન્ય એક યુઝરે લખ્યું- "સાચું કહું તો તમે 'ક્વીન' શબ્દનું જીવતું-જાગતું ઉદાહરણ છો."
હૈદરાબાદમાં પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ ફિલ્મ 'વારાણસી' સાથે 8 વર્ષ પછી ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે. પ્રિયંકા તાજેતરમાં જ 'વારાણસી'ના શૂટિંગ માટે પોતાની પુત્રી માલતી અને પતિ નિક જોનસ સાથે હૈદરાબાદ પહોંચી હતી. 'વારાણસી' ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી છે. ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે તેમની સાથે પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મોટાભાગના હિસ્સાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે માત્ર નાના-મોટા સીન્સનું જ શૂટિંગ બાકી છે.

