મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Chitralok : પાર્થ સમથાન : કલદાર કરતાં કીર્તિની ભૂખ પ્રબળ

- 'કઈ ધારાવાહિક કેટલાં વર્ષ ચાલશે તે કહેવું મુશ્કેલ હોય છે અને હું વર્ષો સુધી કોઈ એક શોમાં બંધાઈ રહેવા નહોતો ઈચ્છતો. આ

Chitralok : પાર્થ સમથાન : કલદાર કરતાં કીર્તિની ભૂખ પ્રબળ

- 'કઈ ધારાવાહિક કેટલાં વર્ષ ચાલશે તે કહેવું મુશ્કેલ હોય છે અને હું વર્ષો સુધી કોઈ એક શોમાં બંધાઈ રહેવા નહોતો ઈચ્છતો. આજે શો જમાવટ કરે ત્યાં સુધી રાહ જોવાની ચેનલોમાં ધીરજ નથી.'

ધારાવાહિક  'ગુમરાહઃ એન્ડ ઓફ ઈનોસન્સ'થી અભિનય જગતમાં કદમ માંડનાર અભિનેતા પાર્થ સમથાને પછીથી 'બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર'માં કામ કર્યું. પરંતુ 'કૈસી યે યારિયાં'માં તેણે ભજવેલા 'માણિક મલ્હોત્રા'ના કિરદારે તેને ધારી લોકપ્રિયતા અપાવી અને ત્યાર પછી 'કસૌટી ઝિંદગી કી-૨' ના મુખ્ય પાત્ર 'અનુરાગ બાસુ' એ તેને ઘર ઘરમાં જાણીતો કરી દીધો.

જોકે જે માધ્યમે પાર્થને ખ્યાતિ અપાવી તેનાથી તે ઘણાં વર્ષો સુધી દૂર રહ્યો. અને હાલના તબક્કે  તે દર્શકોની અતિપ્રિય તેમ જ ટીવી પર લાંબા વર્ષો સુધી ચાલેલી સીરિયલ 'સીઆઈડી'માં કામ કરી રહ્યો છે. આ શોમાં અભિનેતા એસીપી  'આયુષમાન'ની ભૂમિકા ભજવી રહ્યો છે. 

પાર્થ કહે છે કે આ શો દ્વારા વાપસી કરવાનું એક કારણ હતું. આ ક્રાઈમને લગતી આ શ્રેણી પહેલેથી જ એટલી લોકપ્રિય છે કે તેને ખ્યાતિ પ્રાપ્ત કરવા ખાસ મહેનત કરવાની જરૂર નથી પડી. તેવી જ રીતે મને પણ મારું પાત્ર ઉજાગર કરવા વધારાની જહેમત લેવી પડે તેમ નહોતું. 

મહત્ત્વની વાત એ છે કે પાર્થના શિરે શોને લોકપ્રિય બનાવવાની ચિંતા નહોતી તોય તે ફિકરમાં રહેતો. આનું કારણ આપતાં પાર્થ કહે છે કે આ સોમાં મને લાગણીઓની અભિવ્યક્તિનો અતિરેક કરવાની જરૂર ન પડી. હકીકતમાં મને કેમેરા સામે ભાવનાઓમાં વહી જવાની ટેવ હતી. અલબત્ત, ધીમે ધીમે હું ટેવાઈ ગયો.

લાંબા વર્ષો સુધી ટચૂકડા પડદાથી દૂર રહેવાનું કારણ જણાવતાં પાર્થ કહે છે કે કઈ ધારાવાહિક કેટલાં વર્ષ ચાલશે તે કહેવું મુશ્કેલ હોય છે અને હું વર્ષો સુધી કોઈ એક શોમાં બંધાઈ રહેવા નહોતો ઈચ્છતો. મને ઓટીટી અને ફિલ્મોમાં પણ કામ કરવું હતું. વળી, લાગલગાટ ટીવી પર કામ કરતાં રહેવાથી જે તે કલાકાર કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યો જતો હોય છે. ત્યાર પછી  તેને સતત આ પ્રકારના રોલ જ ઓપર થયા કરે આવી સ્થિતિમાં તમે તમારી બહુમુખી પ્રતિભાનો પરિચય આપવાનું ચૂકી જાઓ. જ્યારે હું ટીવી, ઓટીટી અને ફિલ્મો કરીને મારું કૌવત રજૂ કરવા માંગતો  હતો.

પાર્થ કબૂલે છે કે લાંબા સમય સુધી એક જ શોમાં કામ કરતાં રહો કે પછી ટીવી પર જ અલગ અલગ ધારાવાહિકોમાં એકસમાન પાત્રો ભજવવાની તૈયારી રાખો તો તમે આર્થિક રીતે સંપન્ન બની જાઓ. પરંતુ માત્ર નાણાં રળવા મારી પ્રાથમિકતા નહોતી. જો એવું હોત તો 'કસૌટી 'ઝિંદગી કી' કર્યા પછી હું 'બિગ બોસ'માં ભાગ લેત. 

છેલ્લાં ઘણા સમયમાં સંખ્યાબંધ સીરિયલો ગણતરીના સમયમાં બંધ કરી દેવામાં આવી. વર્ષો સુધી ટચૂકડા પડદા સાથે સંકળાયેલો હોવા છતાં પાર્થ આનું કારણ સમજી નથી શક્યો. આમ છતાં તે વત્તાઓછા અંશે આ મુદ્દે વિશ્લેષણ કરતાં કહે છે કે 

કદાચ પ્રસારણકર્તાઓમાં શો ગતિ પકડે તેની રાહ જોવાની તૈયારી નથી. તેના સિવાય ટચૂકડા પડદે વિવિધ ચેનલો પર રજૂ થતી સીરિયલો વચ્ચે ગળાકાપ સ્પર્ધા  ચાલી રહી છે. એક તબક્કે ટીવી પર પ્રણયગથાઓ રજૂ થતી અને તે રસપૂર્વક જોવાતી. જ્યારે હવે મોટાભાગે કૌટુંબિક કલેશ દર્શાવવામાં આવે  છે.  તેના સિવાય શોની મુખ્ય જોડી વચ્ચેની કેમિસ્ટ્રી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો દર્શકોને આ જોડી ન ગમે તોય તે ધારાવાહિકને અસર કરે છે.

પાર્થ જ્યારે ટીવી શ્રેણીઓથી દૂર હતો ત્યારે તેણે ૭૦ એમએમના પડદા તેમ જ ઓટીટી માટે કામ કર્યું હતું. તે કહે છે કે મારી એક ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રજૂ થવાની છે. તેવી જ રીતે એક વેબ સીરિઝ પણ કરી છે. મજાની વાત એ છે કે આ સીરિઝ મરાઠી પૃષ્ટભૂમિ પર છે. બહુ ઓછા લોકો જાણે કે મૂળભૂત રીતે હું મહારાષ્ટ્રીયન છું. સ્વાભાવિક રીતે જ હું કડકડાટ મરાઠી બોલી જાણું છું.

પાર્થના અંગત જીવનની વાત કરીએ તો તેના ઉપર હવે પોતાનો સંસાર વસાવી લેવાનું દબાણ છે. અભિનેતા કહે છે કે મારા પરિવારજનો મને સતત આ બાબતે દબાણ કરી રહ્યાં છે. હું બે-ત્રણ વર્ષથી તેમની વાત ટાળી રહ્યો છું. પરંતુ હવે ઝાઝું તાણી શકાય તેમ નથી. અને હું એરેન્જ મેરેજ કરવાના પક્ષમાં નથી. મને પ્રેમ પર ભરોસો છે.  હું પ્રેમલગ્ન કરવા માગું છું. મેં હમણાં જ નવું ઘર ખરીદ્યું અને તેમાં કામ ચાલી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો