'હાર્ટ એટેક નહતો...', આ કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો 'પંચાયત' એક્ટર; રજા મળતા કર્યો ખુલાસો

'પંચાયત' માં ફુલેરાના જમાઈની ભૂમિકા માટે પ્રખ્યાત અભિનેતા આસિફ ખાનને તાજેતરમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અફવાઓ પર ટિપ્પણી કરતા, આસિફે સ્પષ્ટતા કરી કે તેને અગાઉ અનુમાન મુજબ હાર્ટ એટેક નહતો આવ્યો. આસિફે તાજેતરમાં આ વિશે ખુલીને વાત કરી છે. જેમાં આસિફે કહ્યું, "સૌ પ્રથમ, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે હાર્ટ એટેક નહતો. તે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ હતો. લક્ષણો હાર્ટ એટેક જેવા લાગતા હતા, પરંતુ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું."
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
આ ઘટના ત્યારે બની જ્યારે આસિફ રાજસ્થાનમાં તેના વતનથી મુંબઈ સુધી આખો દિવસ ગાડી ચલાવી રહ્યો હતો. તે સાંજે તેને છાતીમાં દુખાવો થયો, તે બાથરૂમમાં બેહોશ થઈ ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
તબીબી તપાસ પછી, ડોકટરે આસિફને જીવનશૈલીમાં ફેરફાર કરવાની સલાહ આપી, ખાસ કરીને તેના ડાયટમાં. તેને દાલ-બાટી ખાવાનું બંધ કરવાની, માંસાહારી ખોરાક ઘટાડવાની અને વધુ કસરત કરવાની સલાહ આપવામાં આવી હોવાનું કહેવાય છે. આ ડર છતાં, આસિફ આશાવાદી રહે છે અને કહે છે કે આ ઘટના તેની પ્રોફેશનલ કમીટમેન્ટને નહીં અવરોધે. જોકે, તેના હોસ્પિટલમાં રહેવાનો એક અણધાર્યો ફાયદો ડિજિટલ દુનિયાથી વિરામ હતો.
ફોનથી દૂર રહેવાનો અનુભવ પણ સારો હતો
તેણે કહ્યું, "હું મારા ફોનથી દૂર હતો અને તે સારું લાગ્યું. મને ઘણા બધા મેસેજ મળ્યા - તે બધાનો જવાબ આપવામાં મને એક મહિનો લાગશે. મેં આટલા બધા પ્રેમની અપેક્ષા નહતી રાખી. તે ખૂબ જ ઈમોશનલ હતું." દાખલ થયા પછી, આસિફે તેના હોસ્પિટલ રૂમમાંથી એક ઈમોશનલ મેસેજ પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "છેલ્લા 36 કલાકથી આ બધું જોયા પછી, મને સમજાયું છે. જીવન ટૂંકું છે, એક દિવસને પણ હળવાશથી ન લો. બધું એક ક્ષણમાં બદલાઈ શકે છે. તમારી પાસે જે છે અને તમે જે છો તેના માટે આભારી બનો. યાદ રાખો કે તમારા માટે કોણ સૌથી મહત્ત્વપૂર્ણ છે અને હંમેશા તેમની કદર કરો. જીવન એક ભેટ છે અને આપણે ધન્ય છીએ."

