‘પાકિસ્તાનીઓ ખરાબ નથી...’ મીકા સિંહનો કટાક્ષ: ભારતીયોને દુબઈના મુસ્લિમો ગમે છે, તો પાકિસ્તાનીઓ સામે વાંધો કેમ?

બોલીવુડ અને પંજાબી સિંગર મીકા સિંહ પોતાના નિવેદનો માટે અવારનવાર ચર્ચામાં રહે છે. બિગ બોસમાં ધમાકેદાર પરફોર્મન્સ બાદ હાલમાં જ તે એક પોડકાસ્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પાકિસ્તાનને લઈને કંઈક એવું કહ્યું કે જેના પછી તે ચર્ચામાં આવી ગયો છે. સિંગરે હાલમાં જ એક વાતચીત દરમિયાન ભારત-પાકિસ્તાનના સંબંધો સાથે જોડાયેલા એક એવા પાસા પર વાત કરી, જેને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર દલીલ થતી જોવા મળે છે. પાકિસ્તાનમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા મીકાએ ત્યાંના લોકો અને તેના વર્તનને લઈને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. વાત નીકળી તો ચર્ચા માત્ર સરહદ પારના લોકો સુધી ન રોકાઈ, પરંતુ ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને બનેલી ધારણા સુધી પહોંચી ગઈ.
હાલમાં જ ટાઇમ્સ નાઉના પોડકાસ્ટ ‘બાતેં દિલ સે’માં તેમણે પોતાની વાત રજૂ કરતા એક એવી સરખામણી કરી દીધી, જેણે આખા મુદ્દાને વધુ રસપ્રદ બનાવી દીધો. ખાસ વાત એ છે કે મીકા પોતે પાકિસ્તાનમાં પરફોર્મ કરવાને લઈને વિવાદનો સામનો કરી ચૂક્યો છે અને તે સમયે તેના પર ભારતમાં બેન પણ મૂકવામાં આવ્યો હતો.
અલગ-અલગ દ્રષ્ટિકોણ કેમ?
મીકા સિંહે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, પાકિસ્તાની કલાકારો અને ત્યાંના સામાન્ય લોકોને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતો કરી. આ દરમિયાન તેણે એ સવાલ ઉઠાવીને દલીલ કરી કે આખરે ભારતીય સમાજમાં પાકિસ્તાની મુસ્લિમો અને દુબઈ (UAE)ના મુસ્લિમો પ્રત્યે અલગ-અલગ દૃષ્ટિકોણ કેમ જોવા મળે છે.
‘પાકિસ્તાનીઓ ખરાબ નથી’
મીકા સિંહે પાકિસ્તાન પ્રવાસના પોતાના પર્સનલ અનુભવને યાદ કરતા કહ્યું કે તે પાકિસ્તાન કે ત્યાંના સામાન્ય નાગરિકોને ખરાબ નથી માનતો. તેમણે કહ્યું, ‘પાકિસ્તાન ખરાબ નથી. પાકિસ્તાનના લોકો ક્યાંયથી ખરાબ નથી. આ ખબર નહીં કેમ આપણને પાકિસ્તાનના જ મુસ્લિમો ખરાબ લાગે છે, પરંતુ દુબઈના મુસ્લિમો ખૂબ સારા લાગે છે. આ વાત મને આજ સુધી સમજાઈ નથી.’
મુસ્લિમ ભાઈઓ ગુરુદ્વારામાં સેવા કરે છે: મીકા
સિખ ધર્મ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરતા 50 વર્ષના સિંગરે કહ્યું કે પાકિસ્તાનમાં નનકાના સાહેબ અને પંજા સાહેબ જેવા અત્યંત પવિત્ર ગુરુદ્વારા આવેલા છે. તેણે ત્યાંના સ્થાનિક મુસ્લિમ સમુદાયના વખાણ કરતા જણાવ્યું કે તેણે પોતે જોયું છે કે ઘણા મુસ્લિમ ભાઈઓ ગુરુદ્વારામાં સેવા કરે છે અને સાફ-સફાઈમાં મદદ કરે છે.
પાકિસ્તાની કલાકારોના ભારત આવવા પર શું બોલ્યો?
શો દરમિયાન દિલજીત દોસાંજ અને પાકિસ્તાની કલાકારોના સહયોગ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે મીકાને પણ તેનો અભિપ્રાય પૂછવામાં આવ્યો. મીકાએ સ્પષ્ટ કર્યું કે તેને પાકિસ્તાની સિંગર્સના ભારતમાં પરફોર્મ કરવા સામે કોઈ વાંધો નથી. તેણે કહ્યું કે બોલીવુડે હંમેશાં સીમા પારના કલાકારોનું સ્વાગત કર્યું છે. જો કોઈ ભારતીય કલાકાર કાયદેસરના વિઝા લઈને ત્યાં જઈને કોઈ કાર્યક્રમમાં ગાય છે, પોતાનું મહેનતાણું લે છે અને પાછો ફરે છે, તો તેને કોઈ રાજકીય નિવેદનબાજીની જેમ ન જોવું જોઈએ. મીકાએ કહ્યું કે જ્યારે કોઈ ભારતીય કલાકારને પાકિસ્તાનમાં સન્માન મળે છે, તો દેશને તેના પર ખુશી થવી જોઈએ.
2019માં પાકિસ્તાન જઈને ફસાયો હતો મીકા
પાકિસ્તાનને લઈને મીકા સિંહની વાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે વર્ષ 20219માં તેનો પોતાનો પાકિસ્તાન પ્રવાસ વિવાદોમાં આવી ગયો હતો. ઓગસ્ટ 2019માં મીકાએ કરાચીમાં એક લગ્ન સમારંભમાં પરફોર્મ કર્યું હતું. આ કાર્યક્રમ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના એક નજીકના સગા સાથે જોડાયેલો બતાવવામાં આવ્યો હતો. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધારે હતો. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370ની જોગવાઈઓમાં બદલાવ આવ્યા બાદ મીકાના પાકિસ્તાનમાં પરફોર્મ કરવાને લઈને વિરોધ શરૂ થઈ ગયો હતો. આ પછી ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ મીકા સામે કાર્યવાહી કરી હતી અને તેની ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. વિવાદ વધ્યા બાદ મીકાએ માફી માંગી હતી. તેણે સ્પષ્ટતા આપી હતી કે કાર્યક્રમની કમિટમેન્ટ ઘણી પહેલેથી કરવામાં આવી હતી અને પાકિસ્તાન જવાનો સમય ખોટો આવી ગયો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેમનાથી ભૂલ થઈ હોય તો તે ફેડરેશન અને દેશ પાસે માફી માંગે છે. આ પછી FWICE એ મીકા પર લગાવેલો બેન પાછો ખેંચી લીધો હતો.

