'ઇન્ડિયન આઇડલ 3' ના વિજેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન, હાર્ટ અટેકની આશંકા

ઈન્ડિયન આઈડલ સિઝન 3 ના વિજેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન થયું છે. ગાયક અને કોલકાતા પોલીસ અધિકારી પ્રશાંતે 2007માં પ્રસિદ્ધિ મેળવી હતી અને પોતાની સફરથી લાખો લોકોને પ્રેરિત કર્યા હતા. વર્ષ 2007માં 'ઈન્ડિયન આઈડલ સીઝન 3' જીતીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર પ્રશાંત તમાંગનું આજે, 11 જાન્યુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં નિધન થયું છે.
અહેવાલો અનુસાર, તમાંગ તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રારંભિક અહેવાલો મુજબ સિંગરને હાર્ટ એટેક આવ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે તેમનું નિધન થયું છે. જોકે, સત્તાવાર મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
કોલકાતા પોલીસમાં પણ કર્યું હતું કામ
પ્રશાંત તમાંગ એક સમયે કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. આ દરમિયાન તેઓ પોલીસ ઓર્કેસ્ટ્રામાં જોડાયેલા હતા અને પોલીસના કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપતા હતા. તેમની કળા જોઈને તેમના અનેક સિનિયર્સે તેમને ઈન્ડિયન આઈડલમાં જવાની સલાહ આપી હતી, ત્યારબાદ પ્રશાંતે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ઈન્ડિયન આઈડલમાં ઓડિશન આપ્યા બાદ તેઓ માત્ર સિલેક્ટ જ ન થયા, પરંતુ સિઝન 3 ના વિજેતા પણ બન્યા.
આ વેબ સીરીઝમાં કર્યું હતું કામ
તાજેતરમાં પ્રશાંત 'પાતાલ લોક'ની બીજી સીઝનને લઈને ચર્ચામાં રહ્યા હતા, જેમાં તેમણે 'ડેનિયલ લેચો' તરીકે પોતાના દમદાર અભિનય માટે ખૂબ પ્રશંસા મેળવી હતી. ઈન્ડિયન આઈડલ જીત્યા બાદ તેમણે પોતાનું મ્યુઝિક આલ્બમ પણ બહાર પાડ્યું હતું, જેમાં હિન્દી અને નેપાળી ગીતો હતા. તેમણે હિન્દીની સાથે સાથે નેપાળી ફિલ્મોમાં પણ ગાયક અને અભિનેતા તરીકે કામ કર્યું હતું.
પ્રશાંત તમાંગની સફર
પ્રશાંત તમાંગની સફળતાની ગાથા ભારતીય રિયાલિટી ટેલિવિઝનની સૌથી પ્રેરણાદાયક વાર્તાઓમાંથી એક છે. તે સમયે કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ રહેલા તમાંગે 2007માં 'ઈન્ડિયન આઈડલ સિઝન 3' માટે ઓડિશન આપ્યું હતું. શરૂઆતમાં તેમને ઈન્ડસ્ટ્રીમાંથી બહુ ઓછો ટેકો મળ્યો હતો, પરંતુ તેમની નિખાલસતાએ આખા દેશનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ તેમને જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, ખાસ કરીને દાર્જિલિંગ, ગોરખા સમુદાય અને ઉત્તર-પૂર્વ ભારત તરફથી. તેમની આ જીત માત્ર એક ટેલિવિઝન શોની જીત નહોતી, પરંતુ એક સાંસ્કૃતિક ગૌરવની ક્ષણ બની ગઈ હતી.

