VIDEO: "વિરાટ કોહલીને બદનામ કરવા મને પૈસાની ઓફર આપી હતી" જર્મન મોડેલનો ચોંકાવનારો ખુલાસો!
જર્મનીની મોડેલ લિઝલાઝે વિરાટ કોહલીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે વિરાટ કોહલી વિરુદ્ધ બોલીને તેને બદનામ કરવા માટે તેને પૈસાની ઓફર કરવામાં આવી હતી. લિઝલાઝે આ ખુલાસો એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે આ વર્ષની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીએ તેની એક તસવીર લાઈક કરી હતી અને તે ચર્ચાનો વિષય બની હતી. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ક્રિકેટર છે, તેમના 273 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આવા સંજોગોમાં ઈન્સ્ટાગ્રામ પર તેમની દરેક હરકત પર ફેન્સ નજર રાખતા હોય છે.
વિરાટને બદનામ કરવા માટે પૈસાની ઓફર
લિઝલાઝે 'ફિલ્મીમંત્રા'ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું કે, ફોટો લાઈક કરવાની ઘટના બાદ દેશના અનેક મીડિયા આઉટલેટ્સ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વિરાટ વિરુદ્ધ બોલવા માટે કહેવામાં આવ્યું હતું. "મને તેની નેગેટિવ પબ્લિસિટી કરવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી." જોકે, આ જર્મન મોડેલે તે ઓફર ઠુકરાવી દીધી હતી. તેણે કહ્યું કે વિરાટ તેનો ફેવરિટ ક્રિકેટર છે અને તે ક્યારેય તેની વિરુદ્ધ બોલી શકે નહીં. લિઝલાજે એ પણ જણાવ્યું કે જ્યારે વિરાટે તેની ઇન્સ્ટાગ્રામ રીલ લાઈક કરી હતી, ત્યારે તે ઘણી ભાવુક થઈ ગઈ હતી અને સાથે જ આશ્ચર્યચકિત પણ હતી.
વિરાટ એશિયાના મેસી અને રોનાલ્ડો છે
લિઝલાઝે જણાવ્યું કે વિરાટ કોહલી એશિયાના મેસી અને રોનાલ્ડો છે. તેણે વિરાટની લોકપ્રિયતા અને તેમના પ્રભાવને જોઈને આ વાત કહી હતી. તેણે ઉમેર્યું કે અહીં વિરાટ સાથે જોડાયેલી એક નાની ઘટના પણ તરત જ મોટા સમાચાર બની જાય છે. જે પ્રકારનો ક્રેઝ, પાવર અને ફેન ફોલોઈંગ દુનિયાભરમાં વિરાટની છે, તે કાબિલેદાદ છે.

