VIDEO: થલાપતિ વિજયનો જાદુ કેમ ફિકો પડ્યો? ‘જના નાયકન’ સામે અડીખમ ઊભો છે એમની જ 6 બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ
સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના CM થલાપતિ વિજયની નવી ફિલ્મ ‘જના નાયકન’ આ સમયે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. આ ફિલ્મને વિજયની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે, જે પછી તેઓ પૂરી રીતે રાજકારણમાં એક્ટિવ થઈ જશે. સિનેમાઘરોમાં આ ફિલ્મને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર શરૂઆત તો ખૂબ ધમાકેદાર કરી છે, પરંતુ તેની અસલી પરીક્ષા હવે શરૂ થશે. લોકો આ ફિલ્મની સરખામણી વિજયની અગાઉની સુપરહિટ ફિલ્મો સાથે કરી રહ્યા છે, જે બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી ચૂકી છે.
જો વિજયની ફિલ્મોની કમાણી અને પોપ્યુલરિટીના જૂના આંકડાઓ પર નજર કરીએ, તો તેમની જૂની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જે ઈતિહાસ રચ્યો હતો, ત્યાં સુધી પહોંચવું આજે પણ સરળ નથી લાગી રહ્યું. તેમની જૂની બ્લોકબસ્ટર ફિલ્મોએ માત્ર રેકોર્ડતોડ કમાણી જ નહોતી કરી, પરંતુ લોકોના દિલમાં એક ખાસ જગ્યા પણ બનાવી હતી. આ જ કારણ છે કે ‘જના નાયકન’ના સારા પરફોર્મન્સ પછી પણ સિનેમાપ્રેમીઓ એ માની રહ્યા છે કે જૂની ફિલ્મોનો ક્રેઝ અને તેમનો જાદુ આજે પણ અકબંધ છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ફિલ્મ તેમની આ 6 જૂની ફિલ્મોનો રેકોર્ડ તોડી શકશે કે નહીં?
લીઓ (Leo)
‘લીઓ’ 2023માં રિલીઝ થઈ હતી અને તેનું ડિરેક્શન લોકેશ કનાગરાજે કર્યું હતું. ફિલ્મમાં થલાપતિ વિજયની સાથે સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન, અર્જુન સરજા, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રિયા આનંદ જોવા મળ્યા હતા. આ ફિલ્મ લોકેશ સિનેમેટિક યુનિવર્સનો ભાગ માનવામાં આવે છે. આશરે 250 થી 400 કરોડના બજેટમાં બનેલી આ એક્શન થ્રિલરે દુનિયાભરમાં લગભગ 595 થી 615 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો હતો. ફિલ્મે તમિલનાડુ અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને વિજયના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ.
મર્સલ (Mersal)
18 ઓક્ટોબર 2017ના રોજ રિલીઝ થયેલી ‘મર્સલ’ નું ડિરેક્શન એટલીએ કર્યું હતું, જેમની સાથે વિજયની આ બીજી સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ફિલ્મમાં વિજય ટ્રિપલ રોલમાં જોવા મળ્યા હતા, જ્યારે એસ.જે. સૂર્યા, કાજલ અગ્રવાલ, સામંથા રુથ પ્રભુ, નિત્યા મેનન અને સત્યરાજે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. મેડિકલ ભ્રષ્ટાચાર અને સામાજિક મુદ્દાઓ પર આધારિત આ ફિલ્મનું બજેટ આશરે 120 કરોડ હતું. રિલીઝ પછી તેણે દુનિયાભરમાં લગભગ 200 થી 260 કરોડની કમાણી કરી અને તે સમયે વિજયના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ.
સરકાર (Sarkar)
‘સરકાર’ 6 નવેમ્બર 2018 ના રોજ દિવાળીના અવસરે રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડિરેક્શન એ.આર. મુરુગદોસે કર્યું હતું. તેમાં વિજયની સાથે કીર્તિ સુરેશ, વરલક્ષ્મી સરથકુમાર, રાધા રવિ અને યોગી બાબુ જોવા મળ્યા હતા. વાર્તા ચૂંટણી ભ્રષ્ટાચાર અને વોટિંગ સિસ્ટમની આસપાસ ફરે છે. ફિલ્મનું બજેટ આશરે 110 કરોડ હતું. બોક્સ ઓફિસ પર ફિલ્મે શાનદાર પરફોર્મ કરતા લગભગ 244 થી 253 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું. આ વિજયની સતત ત્રીજી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ અને તે સમયે ઘણા ઓપનિંગ રેકોર્ડ પણ બનાવી ગઈ.
બિગિલ (Bigil)
25 ઓક્ટોબર 2019ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘બિગિલ’ નું ડિરેક્શન પણ એટલીએ જ કર્યું હતું અને આ બંનેની સાથેની ત્રીજી સૌથી મોટી હિટ હતી. ફિલ્મમાં વિજયે પિતા અને પુત્રની ડબલ ભૂમિકા ભજવી હતી. તેમની સાથે નયનતારા, જેકી શ્રોફ, કથીર, વિવેક અને યોગી બાબુ પણ દેખાયા હતા. મહિલા ફૂટબોલ ટીમ અને મહિલા સશક્તિકરણ પર આધારિત આ સ્પોર્ટ્સ ડ્રામાનું બજેટ લગભગ 180 કરોડ હતું. ફિલ્મે દુનિયાભરમાં આશરે 285 થી 300 કરોડની કમાણી કરી. રિલીઝ સમયે આ વિજયના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી.
વારિસુ (Varisu)
11 જાન્યુઆરી 2023ના રોજ પોંગલના અવસરે રિલીઝ થયેલી ફિલ્મ ‘વારિસુ’ નું ડિરેક્શન વામશી પૈડીપલ્લીએ કર્યું હતું. ફિલ્મમાં વિજયની સાથે રશ્મિકા મંદાના, આર. સરથકુમાર, પ્રકાશ રાજ, પ્રભુ, શ્યામ અને શ્રીકાંત જેવા શાનદાર કલાકારોની ટીમ જોવા મળી હતી. આ એક ફેમિલી એન્ટરટેઈનર હતી, જેને કૌટુંબિક ઓડિયન્સે ખૂબ પસંદ કરી હતી. ફિલ્મનું બજેટ આશરે 200 થી 280 કરોડ બતાવવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર તેણે આશરે 302 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું અને તે સમયે વિજયની સૌથી મોટી હિટ ફિલ્મોમાં સામેલ થઈ ગઈ હતી.
ગિલ્લી (Ghilli)
‘ગિલ્લી’ 17 એપ્રિલ 2004 ના રોજ રિલીઝ થઈ હતી અને તેનું ડિરેક્શન ધરણીએ કર્યું હતું. ફિલ્મમાં વિજય, ત્રિશા કૃષ્ણન, પ્રકાશ રાજ અને આશિષ વિદ્યાર્થી મુખ્ય ભૂમિકાઓમાં હતા. આ તેલુગુ ફિલ્મ ‘ઓક્કાડુ’ ની રીમેક હતી. કબડ્ડી ખેલાડીની વાર્તા પર આધારિત આ ફિલ્મે વિજયને એક મોટા માસ એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. આશરે 8 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે સરુઆતના રનમાં લગભગ 50 કરોડની કમાણી કરી, જે તે સમયગાળામાં ખૂબ મોટો રેકોર્ડ હતો. આ જ કારણ છે કે આજે પણ ‘ગિલ્લી’ વિજયની સૌથી આઈકોનિક ફિલ્મોમાં ગણાય છે.

