જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, લૉરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી જવાબદારી

બોલિવૂડ જગતમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં પ્રખ્યાત અભિનેતા ટાઇગર શ્રોફ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદનસીબે આ હુમલામાં ટાઇગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લૉરેન્સ બિન્નોઇ ગેંગના સભ્યો એવા વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિત અને હરમન સંધુના નામથી આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે, જોકે આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ થઇ નથી.
અભિનેતા સુરક્ષિત
ઝોન-1, પશ્ચિમ ક્ષેત્રના ડીસીપી મોહિત ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને આ ફાયરિંગની ઘટનામાં તેમને કોઈ નુકસાન કે ઈજા પહોંચી નથી. આ ઉપરાંત અભિનેતાના પિતા અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની ટીમ તરફથી પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ટાઇગર તદ્દન સ્વસ્થ અને સુરક્ષિત છે.
હુમલાનું કારણ અસ્પષ્ટ
ફાયરિંગની આ ઘટના પાછળનું મુખ્ય કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસનો ધમધમાટ
હુમલાખોરો ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાથી પોલીસ આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે. આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું છે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે અભિનેતા ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.








