ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર
‘મિર્ઝાપુર 3’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી સીરિઝ છે. હાલમાં જ મેકર્સે આ

‘મિર્ઝાપુર 3’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી સીરિઝ છે. હાલમાં જ મેકર્સે આ સીરિઝની રિલીઝ ડેટ સાથેનું ટીઝર રિલીઝ કર્યું હતું. ફેન્સ આ ક્રાઈમ-થ્રિલરના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફાયનલી આજે મેકર્સે 'મિર્ઝાપુર 3'ના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
'મિર્ઝાપુર 3'ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર
પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની સિરીઝ 'મિર્ઝાપુર 3' જુલાઈ મહિનામાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. મેકર્સે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હાલમાં જ સીરિઝનું આકર્ષક ટીઝર રિલીઝ કર્યું છે અને હવે તેના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રાઇમ વિડિયોએ આજે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સીરિઝના મોસ્ટ અવેઇટેડ ટ્રેલરની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી છે. નિર્માતાઓએ મિર્ઝાપુર 3ની સ્ટાર કાસ્ટ સાથે એક નવું પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું છે, "છલ કપટ, શહ-માત, મિલેગી એક ઝલક, ઇસ ગદ્દી કે ખેલ કી." જણાવી દઈએ કે સીઝન 3નું ટ્રેલર 20 જૂને રિલીઝ થઈ રહ્યું છે.
'મિર્ઝાપુર 3' ક્યારે અને ક્યાં રિલીઝ થશે?
મેકર્સે હાલમાં જ 'મિર્ઝાપુર 3'ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ વેબ સિરીઝ અગ્રણી OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 5 જુલાઈથી સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝની રીલીઝ ડેટની જાહેરાત કરતા પ્રાઈમ વિડિયોએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનું પોસ્ટર રીલીઝ કર્યું હતું, તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "મિર્ઝાપુર સીઝન 3 માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તારીખ નોંધી લો, મિર્ઝાપુર પ્રાઈમ પર 5 જુલાઈના જોવા મળશે."
ફેન્સ આ સિરીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે મિર્ઝાપુરની પહેલી સિરીઝ 2018માં આવી હતી. બીજી સિરીઝ વર્ષ 2020માં આવી હતી. બંને સિરીઝને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે સિરીઝ 3 વિશે પણ ઘણી અપેક્ષાઓ છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાંથી સિરીઝની ઝલક ચાહકોની ઉત્તેજના ચરમસીમાએ લઈ ગઈ છે.
'મિર્ઝાપુર 3'ની સ્ટાર કાસ્ટ
ગુરમીત સિંહ અને આનંદ અય્યર દ્વારા દિગ્દર્શિત અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, મિર્ઝાપુરની ત્રીજી સીઝન પણ ખૂબ હિટ થવાની આશા છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, હર્ષિતા ગૌર, વિજય વર્મા, અંજુમ શર્મા, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલંગ આ સીરિઝમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે.








