Akshay Kumarની દીકરી સાથે ઓનલાઈન ગેમિંગમાં થઈ ગંદી હરકત, એક્ટરે મુખ્યમંત્રી સમક્ષ કરી આ માંગ

અક્ષય કુમારની 13 વર્ષની દીકરીને ઓનલાઈન ગેમ રમતી વખતે નગ્ન ફોટો માટે પૂછવામાં આવ્યું હતું. અભિનેતાએ જાતે આ ઘટનાનો ખુલાસો કર્યો છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં તેમની ફિલ્મ 'જોલી એલએલબી 3'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સાયબર ક્રાઈમ વિશે વાત કરી હતી. અક્ષય કુમાર ખૂબ જ ઓછું તેમના પરિવાર વિશે વાત કરે છે, પરંતુ આ કાર્યક્રમમાં તેમણે તેમની દીકરી નિતારા સાથે થયેલી એક ગંદી હરકતનો ખુલાસો કર્યો હતો. સાથે જ તેમણે માંગ કરી કે બાળકોને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવા જોઈએ. અભિનેતાની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ચાલો જાણીએ કે અક્ષય કુમારની દીકરી નિતારા સાથે શું ઘટના બની હતી.
અક્ષય કુમારે દીકરી સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો
અક્ષય કુમારે ઈવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે આવી રીતે તેમની દીકરી સાથે ઓનલાઈન ખોટી હરકત કરવામાં આવી હતી. અક્ષય કુમારે જણાવ્યું, 'એક નાની ઘટના તમને જણાવવા માંગું છું જે થોડા મહિના પહેલા મારા ઘરે બની હતી. મારી દીકરી વીડિયો ગેમ રમી રહી હતી. કેટલીક વીડિયો ગેમ્સ તમે અજાણ્યા લોકો સાથે રમી શકો છો. જ્યારે ગેમ ચાલે છે ત્યારે સામેથી "ઓ ગ્રેટ, ફન્ટાસ્ટિક" જેવા મેસેજ આવે છે. મારી દીકરી સાથે ગેમ રમી રહેલી વ્યક્તિએ પૂછ્યું કે તું ક્યાંથી છે. દીકરીએ જણાવ્યું કે હું મુંબઈથી છું. ત્યારબાદ "થેન્ક યુ" જેવા મેસેજ આવવા લાગ્યા તો લાગ્યું કે સામે કોઈ સન્માનીય વ્યક્તિ રમી રહી છે. પછી મેસેજ આવ્યો કે તું મેલ છે કે ફીમેલ. મારી દીકરીએ જવાબ આપ્યો કે ફીમેલ. પછી બધું સામાન્ય ચાલ્યું. પછી સામેથી મેસેજ આવ્યો કે શું તું મને તારો એક નગ્ન ફોટો મોકલી શકે છે? મારી દીકરીએ તરત જ બધું બંધ કરી દીધું અને તેની માતાને જણાવ્યું. મારી પત્નીએ સીધું મને જણાવ્યું.'
અક્ષય કુમારે કરી આ માંગ
અક્ષય કુમારે આગળ જણાવ્યું, 'આવી જ રીતે વસ્તુઓ શરૂ થાય છે. આ પણ સાયબર ક્રાઈમનો એક ભાગ છે, જ્યાં બાળકો ભટકી જાય છે. પછી તેમની પાસે પૈસા માંગવામાં આવે છે. ત્યારબાદ અન્ય ઘણી બધી બાબતો બને છે, ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં આત્મહત્યા સુધીની ઘટનાઓ બને છે. અહીં મુખ્યમંત્રી બેઠેલા છે, હું વિનંતી કરવા માંગુ છું કે શાળાઓમાં ઇતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવવામાં આવે છે. 7મા, 8મા, 9મા અને 10મા ધોરણમાં એક ક્લાસ સાયબર ક્રાઈમ પર હોવો જોઈએ, કારણ કે સ્ટ્રીટ ક્રાઈમ કરતાં આ ક્રાઈમ વધુ મોટો થતો જાય છે.'

