Chitralok/ AIનું કારસ્તાનઃ બીલી ઈલિશ મેટ ગાલામાં નહોતી તોય એના લૂકની ચર્ચા

- આ ડિજિટલ યુગમાં જ્યારે AI ગણતરીની સેકન્ડોમાં સાવ અસલી લાગે તેવી તસવી

Chitralok/ AIનું કારસ્તાનઃ બીલી ઈલિશ મેટ ગાલામાં નહોતી તોય એના લૂકની ચર્ચા

- આ ડિજિટલ યુગમાં જ્યારે AI ગણતરીની સેકન્ડોમાં સાવ અસલી લાગે તેવી તસવીર અને વીડિયો બનાવીને પેશ કરી શકે છે 

૨૦૨૫ની હાઇ પ્રોફાઇલ મેટ ગાલા ફેશન ઇવેન્ટમાં એક અણધાર્યા વળાંક આવ્યો હતો. ગ્લોબલ મ્યુઝીક આઈકન બીલી ઈલિશ વાયરલ ફેશન વિવાદના કેન્દ્રમાં સપડાઈ હતી. એ પોતે આ પ્રસંગમાં હાજર નહોતી છતાં આવું બન્યું.

જાહેરાત

ગ્રેમી અને ઓસ્કર વિજેતા  એવી આ કલાકારે સોશિયલ મીડિયાનો સહારો લઈને આ વર્ષના અતિ ચર્ચિચ ફેશન કાર્યક્રમમાં તેણે કથિત રીતે પહેરેલા આઉટફિટ વિશે સ્પષ્ટતા કરવી પડી હતી. સમસ્યા એ હતી કે વાયરલ થયેલી તસવીર ફેક હતી. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા બનાવવામાં આવી હતી. ખરી વાત તો એ હતી કે મેટ ગાલા આયોજિત થયું ત્યારે બીલી ન્યુ યોર્કમાં જ નહોતી.

મેટ ગાલામાં પોતે જે પોષાક પહેર્યો હોવાનું કહેવાતું હતું તે અત્યંત ખરાબ હોવાની ચર્ચા થતા બીલીએ સ્પષ્ટતા કરી કે એ હું નહોતી, તે એઆઈ હતું. બીલીએ સમગ્ર બાબત રમૂજમાં લઈને આઈસક્રીમ ખાતા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો કે એ સમયે હું યુરોપમાં શો કરી રહી હતી. હું તો મેટ ગાલામાં આવી પણ નહોતી. 

સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ તેના મેટ ગાલાના કથિત પોષાક વિશે અનેક કમેન્ટ કર્યા પછી બીલીની સ્પષ્ટતા આવી હતી. ચાહકોએ પોતાની કમેન્ટમાં લખ્યું હતું કે તેનો ડ્રેસ આકર્ષક હોવા છતાં તદ્દન કૃત્રિમ હતો અને તેને આ હાઈ ફેશન કાર્યક્રમમાં પ્રસિદ્ધિ અપાવે તેવા ટૂલ્સથી બનાવવામાં આવ્યો હતો. 

કમનસીબે તેનાથી ઈન્ટરનેટ પર એક મોટો વર્ગ ભોળવાઈ ગયો જેના પરિણામે તેણે ટીકા અને પ્રશંસા બંનેનો સામનો કરવો પડયો. કેટલાક ફેશનપ્રેમીઓએ એના આઉટફિટને બકવાસ લેખાવતા બીલીએ હળવાશથી મક્કમ સ્પષ્ટતા આપવી પડી.

વાસ્તવમાં બીલી ઈલિશ એ સાંજે તેની 'હિટ મી હાર્ડ' અને 'સોફ્ટ ટૂર'ના હિસ્સા તરીકે ઝિગ્ગો ડોમ ખાતે એમ્સ્ટરડેમમાં પરફોર્મ કરી રહી હતી. તેણે અગાઉના વર્ષોમાં, ખાસ કરીને ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં મેટ ગાલા રેડ કારપેટ પર હાજરી આપી હતી, પણ આ વખતે તે ન્યુ યોર્ક સિટીથી ઘણી દૂર હતી.

આ પ્રથમવાર નથી બન્યું જ્યારે એઆઈના બનાવેલા ઈમેજ દ્વારા મેટ ગાલા ખાતે સેલિબ્રિટીઓની હાજરી વિશે ગૂંચવણો સર્જાઈ હોય. ૨૦૨૪માં કેટી પેરી પણ આવા જ ડિજિટલ ગોટાળામાં સપડાઈ ગઈ હતી જ્યારે કાર્યક્રમ ખાતે તેનો ફેક ફોટો વાયરલ થયો હતો. આ ફોટો એટલો તો વિશ્વસનીય લાગતો હતો કે તેની માતા પણ તેનાથી ભરમાઈ ગઈ. પેરીએ આ સ્થિતિનો રમૂજથી સામનો કર્યો અને પોતાની તસવીર રિપોસ્ટ કરીને લખ્યું મેટ ગાલા ખાતે હાજરી ન આપી શકવા બદલ દિલગીર, પણ મારે ખૂબ મહેનત કરવી પડી.

 એક તરફ બીલી અને પેરી મેટના પગથિયાથી દૂર રહ્યા હતા તો પણ ૨૦૨૫ના કાર્યક્રમમાં ઝેન્ડાયા, કોલમેન ડોમિંગો, એએસએપી રોકી, લુવિસ હેમિલ્ટન, ગીગી હેડિડ, સીડની સ્વીની અને પેરેલ વિલિયમ્સ જેવી એ-લિસ્ટની સેલિબ્રિટીઓ હાજર હતી.   

આ ડિજિટલ યુગમાં જ્યારે એઆઈ સેકન્ડોમાં વિશ્વસનીય વાસ્તવિકતા ઊભી કરી શકે છે ત્યારે બીલી ઈલિશ જેવી સેલિબ્રિટીઓએ જાહેરમાં આવીને ખોટી વાતો બાબતે સાબિતી આપવી પાડવી પડે છે. બીલી ઈલિશનો પ્રતિસાદ પોપ સંસ્કૃતિમાં વધતી ચિંતાનો પડઘો પાડે છે, આ ભય છે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના યુગમાં કલ્પના અને ગેરમાહિતી વચ્ચેની પાતળી ભેદરેખા.

આ સમાચાર શેર કરો

જાહેરાત