VIDEO: દુબઈ પહોંચતા જ એક્ટ્રેસ Jasmin Bhasinની તબિયત બગડી, આંતરડાની આ બીમારીના કારણે કરવી પડી એડમિટ!
અભિનેત્રી જાસ્મીન ભસીન બર્થડે વેકેશન દરમિયા

અભિનેત્રી જાસ્મીન ભસીન બર્થડે વેકેશન દરમિયાન દુબઈમાં હોસ્પિટલમાં દાખલ થઈ છે. તેને 'ટર્મિનલ આઇલીટીસ' નામની આંતરડાની ગંભીર બીમારીનું નિદાન થયું છે. સોશિયલ મીડિયા પર જાસ્મીને જણાવ્યું કે દુબઈ પહોંચતા જ તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તેના પાર્ટનર અલી ગોનીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. જાસ્મીન ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે.
Jasmin Bhasin Hospitalised in Dubai: ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મીન ભસીન તેના બર્થડે વેકેશન દરમિયાન દુબઈમાં હોસ્પિટલમાં દાખલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાસ્મીનને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારીનું નિદાન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે દુબઈ પહોંચતાની સાથે જ તેની તબિયત લથડી હતી, જેના કારણે તેને અતિશય ઇન્ફેક્શન અને સોજાની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી.
પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર માન્યો અને બર્થડે વિશનો રિપ્લાય ન આપી શકવા બદલ માફી માગી હતી.
શું છે આ ‘ટર્મિનલ આઇલીટીસ’ બીમારી?
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 'ટર્મિનલ આઇલીટીસ' એ નાના આંતરડાના સૌથી છેલ્લા ભાગમાં (જેને ટર્મિનલ આઇલિયમ કહે છે) થતો સોજો કે ઇન્ફેક્શન છે. આ ભાગ નાના આંતરડાને મોટા આંતરડા સાથે જોડે છે. સામાન્ય રીતે આ સ્થિતિને ક્રોહન્સ ડિસીઝ સાથે જોડવામાં આવે છે, પરંતુ ડોક્ટર્સના મતે તે પોતે કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ આંતરડામાં અન્ય સમસ્યાઓ હોવાનો સંકેત છે.
મુખ્ય કારણો અને લક્ષણો
આ રોગ થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે:
બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન: શરીરમાં હાનિકારક બેક્ટેરિયા, વાયરસ કે પરજીવીઓનો ફેલાવો.
દવાઓની આડઅસર: લાંબા સમય સુધી પેઇન કિલર્સ અથવા સોજા વિરોધી દવાઓ લેવામાં આવી હોય તો.
અન્ય કારણો: આંતરડામાં લોહીનો પ્રવાહ ઓછો થવો અથવા રોગપ્રતિકારક શક્તિને લગતી અન્ય બીમારીઓ.
મુખ્ય લક્ષણો:
પેડુના અથવા પેટના નીચેના જમણા ભાગમાં અસહ્ય દુખાવો થવો, સતત ડાયેરિયા થવા, પેટમાં ચૂંક આવવી, પેટ ફૂલવું, તાવ, થાક લાગવો, ભૂખ ન લાગવી, અચાનક વજન ઘટવું અને કેટલાક કિસ્સાઓમાં ઝાડામાં લોહી પડવું એ આ બીમારીના પ્રારંભિક લક્ષણો છે.
નિદાન અને સારવાર કેવી રીતે થાય છે?
આ બીમારીના સચોટ નિદાન માટે તબીબો દર્દીના બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ, સીટી સ્કેન કે એમઆરઆઈ ઉપરાંત કોલોનોસ્કોપી કરાવવાની સલાહ આપે છે. જરૂર જણાયે આંતરડાના એ ભાગમાંથી બાયોપ્સી પણ લેવામાં આવે છે.
આ રોગની સારવાર તેના મૂળ કારણ પર આધાર રાખે છે. જો સમસ્યા ઇન્ફેક્શનના કારણે હોય તો એન્ટિબાયોટિક્સ દવાથી રાહત થાય છે. પરંતુ જો ક્રોહન્સ ડિસીઝ જવાબદાર હોય, તો સોજો ઓછો કરવાની દવાઓ, સ્ટેરોઇડ્સ અથવા ઇમ્યુનોસપ્રેશન્ટ્સ આપવામાં આવે છે. પેઇન કિલર્સના કારણે થયેલી તકલીફમાં દવાઓ બંધ કરવાથી સુધારો થાય છે, જ્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં સર્જરીની પણ કરવી પડી શકે છે. તબીબોના મતે પેટના દુખાવા કે પાચનની સમસ્યાને ક્યારેય સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં.








