VIDEO: A. R. Rahmanએ અટારી-વાઘા બોર્ડર પર પહેલીવાર આપ્યું LIVE પરફોર્મન્સ, દેશભક્તિના રંગે રંગાયા હજારો દર્શકો
એકેડેમી અને ગ્રેમી એવોર્ડ વિજેતા એ. આર. રહેમાને અટારી-વાઘા બોર્ડર પર પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું છે અને આ સાથે જ 'મૈં વાપસ આઉંગા'ની ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ સુંદર મ્યુઝિકલ ઈવેન્ટની શરૂઆત રહેમાને ભાવપૂર્ણ ધૂન 'ચંદા સૂરજ લાખો તારે'થી કરી હતી.
એ. આર. રહેમાનનું અટારી બોર્ડર પર પરફોર્મન્સ
ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાને રવિવારે પંજાબમાં અટારી-વાઘા બોર્ડર પર પહેલીવાર લાઈવ પરફોર્મન્સ આપીને સંગીતના માધ્યમથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોને સલામી આપી હતી.
જોઈન્ટ ચેક પોસ્ટ (JCP) સ્ટેડિયમમાં આયોજિત બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન 'જય હો: મ્યુઝિકલ સેલ્યુટ ટુ ધ બ્રેવ સોલ્જર્સ' ટાઈટલ સાથે દેશના વીર જવાનોને સંગીતમય સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન બોર્ડર અને ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ની રિલીઝ પહેલા આયોજિત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને તૈયાર કર્યું છે.
ભાવપૂર્ણ ધૂન 'ચંદા સૂરજ લાખો તારે'થી થઈ શરૂઆત
એ. આર. રહેમાને હજારો દર્શકોની હાજરીમાં આ સુંદર મ્યુઝિકલ ઈવેન્ટની શરૂઆત ભાવપૂર્ણ ધૂન 'ચંદા સૂરજ લાખો તારે'થી કરી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં 'મૈં વાપસ આઉંગા' ફિલ્મના ગીતો પરફોર્મ કરવામાં આવ્યા હતા.
સ્ટેડિયમ જયઘોષ અને ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યું
પ્રખ્યાત બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન આ કાર્યક્રમમાં હજારો દર્શકો દેશભક્તિ, કૃતજ્ઞતા અને રાષ્ટ્રવાદની ભાવનાની ઉજવણી કરવા માટે JCP સ્ટેડિયમમાં એકઠા થયા હતા. આ અવસરે આખો માહોલ ઉત્સાહથી ભરેલો હતો. આ મ્યુઝિકલ સાંજે સ્ટેડિયમ જયઘોષ અને ગૌરવની ઊંડી ભાવનાથી ગુંજી ઉઠ્યું અને એક નવો ઈતિહાસ રચાયો.
વેદાંગ રૈના ભજવી રહ્યો છે મુખ્ય ભૂમિકા
ફિલ્મનું ગીત 'મસ્કરા' નીલાંજના ઘોષ અને વેદાંગ રૈનાએ રજૂ કર્યું હતું. વેદાંગ રૈના આ ફિલ્મમાં ભાગલા પહેલાના ભારતના એક યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારબાદ સિંગર મોહિત ચૌહાણે પૂજા તિવારી અને નરગીસ સાથે મળીને 'ઈશ્ક મસ્તાના' ગીત પેશ કર્યું હતું. કાર્યક્રમનું સમાપન રહેમાનના પ્રખ્યાત દેશભક્તિ ગીત 'માં તુઝે સલામ' સાથે થયું હતું. આ ફિલ્મ ૧૨ જૂનના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'આપણા વીર જવાનો, બીએસએફ અને ભારતીય સેના પ્રત્યે સન્માન'
આ પ્રસંગે ઇમ્તિયાઝ અલીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે, 'આ એક ખૂબ જ અનોખું આયોજન છે. આ પ્રસ્તુતિ રાષ્ટ્રભાવના, સરહદ પર તૈનાત આપણા વીર જવાનો, બીએસએફ અને ભારતીય સેના પ્રત્યેના સન્માન અને એ એકતા તથા પ્રેમને સમર્પિત છે જે આપણને સૌને એકસાથે બાંધે છે. આ ટીમનો હિસ્સો બનવું મારા માટે સૌભાગ્યની વાત છે, અને એ જાદુઈ છે કે આ આયોજન 'મૈં વાપસ આઉંગા' ફિલ્મની રિલીઝની આસપાસ જ થઈ રહ્યું છે.'

