JEE Mains 2026 / પરીક્ષા માટે શું છે રિપોર્ટિંગ ટાઈમ? અહીં જાણો ડ્રેસ કોડના નિયમો

JEE Mains 2026 એ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંથી એક છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તેથી પરીક્ષાના નિયમો અને રિપોર્ટિંગ ટાઈમ વિશે સચોટ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. કેટલીકવાર નાની ભૂલો, જેમ કે મોડા પહોંચવું અથવા ખોટો ડ્રેસ પહેરવો તમારી મહેનત બગાડી શકે છે. તેથી, પરીક્ષા કેન્દ્ર પર ક્યારે પહોંચવું, દરવાજા ક્યારે બંધ થશે અને ક્યા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે તે જાણવું ખૂબ જ જૂરી છે. યોગ્ય તૈયારીની સાથે પરીક્ષાના દિવસની યોજના તણાવ ઘટાડી શકે છે અને તમારો આત્મવિશ્વાસ વધારી શકે છે.
JEE Mains 2026 રિપોર્ટિંગ ટાઈમ અને જરૂરી દસ્તાવેજો
JEE Mains 2026 પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. સવારની શિફ્ટમાં ઉમેદવારોને સવારે 7:00થી 8:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે પરીક્ષા સવારે 9:00 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજી શિફ્ટમાં બપોરે 1:00થી 2:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. બીજી શિફ્ટમાં પરીક્ષા 3:00થી 6:00 વાગ્યા સુધી યોજાશે. દરવાજા બંધ થયા પછી પ્રવેશ નહીં આપવામાં આવે.
NTA વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક ચકાસણી, સુરક્ષા તપાસ અને તેમની બેઠકો સુધી પહોંચવામાં મુશ્કેલી ટાળવા માટે ઓછામાં ઓછા એક કલાક અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપે છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ, માન્ય ફોટો ID, પાસપોર્ટ સાઈનનો ફોટો અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત છે. આ સિવાય પારદર્શક પેન, પાણીની બોટલ અને માસ્ક રાખવાની મંજૂરી આપવામાં આવે છે.
ડ્રેસ કોડ શું છે?
પરીક્ષાના દિવસે ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી છે. હળવા અને સિમ્પલ કપડા પહેરો, જેમાં મોટા બટન કે ઝિપ ના હોય. આ સાથે સેન્ડલ અથવા ચપ્પલ પહેરવા યોગ્ય રહેશે. જાડા સોલવાળા શૂઝ, જ્વેલરી, ઘડિયાળો અથવા કોઈપણ ધાતુની વસ્તુઓ પહેરવાની મનાઈ છે.
પરીક્ષા કેન્દ્રના નિયમો અને પ્રતિબંધિત વસ્તુઓ
પરીક્ષા કેન્દ્ર દ્વારા રફ વર્ક માટે શીટ પૂરી પાડવામાં આવશે, જે પરીક્ષા પછી પરત કરવાની રહેશે. મોબાઈલ, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધ છે. ડાયાબિટીસના વિદ્યાર્થીઓને શુગર ટેબ્લેટ અથવા ફળ લઈ જવાની મંજૂરી છે, પરંતુ પેકેજ્ડ ખોરાક નહીં. NTA નિયમો અનુસાર દિવ્યાંગ ઉમેદવારોને વધારાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.

