Republic Dayની પ્રથમ પરેડ ક્યાં યોજાઈ હતી? શું છે 21 તોપોની સલામી પાછળનું રહસ્ય? અહીં જાણો

દર વર્ષે 26 જાન્યુઆરીએ ભારત ખૂબ જ ઉત્સાહ અને ગર્વથી પ્રજાસત્તાક દિવસ ઉજવે છે. 1950માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ એક સાર્વભૌમ લોકતાંત્રિક દેશ બન્યો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 26 જાન્યુઆરીના દિવસને જ પ્રજાસત્તાક દિવસ માટે કેમ પસંદ કરવામાં આવ્યો? તે 1930ના "પૂર્ણ સ્વરાજ" ના ઠરાવ સાથે જોડાયેલો છે. પ્રજાસત્તાક દિવસ ફક્ત પરેડ અને ઝાંખીઓની ઉજવણી જ નથી, પરંતુ આપણા દેશના પાયા અને તેના લોકશાહી મૂલ્યોને સમજવાની તક પણ છે.
આ વર્ષે 2026માં ભારત તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ઘણીવાર શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં તિરંગો લહેરાવ્યા પછી ભાષણો અને ક્વિઝ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ, આપણા બંધારણને બનાવવા માટે કરવામાં આવેલી મહેનત અને સંશોધનને સમજવું વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. ચાલો તમને પ્રજાસત્તાક દિવસ અને ભારતીય બંધારણ વિશે 10 રસપ્રદ તથ્યો જણાવીએ.
પ્રજાસત્તાક દિવસ અંગે 10 ઐતિહાસિક અને રસપ્રદ તથ્યો
26 જાન્યુઆરી તારીખનું રહસ્ય
1930માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને "પૂર્ણ સ્વરાજ" જાહેર કર્યું હતું. આ ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખવા માટે 26 જાન્યુઆરી, 1950ને બંધારણ લાગુ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.
વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ હસ્તલિખિત બંધારણ છે. તેમાં મૂળ રૂપે 395 કલમો અને આઠ અનુસૂચિઓ હતી. આજે તે વધુ વિસ્તર્યું છે.
ન ટાઇપિંગ કે ન પ્રિન્ટિંગ - બધું હાથની કમાલ
શું તમે જાણો છો કે આપણું મૂળ બંધારણ ટાઈપ કે પ્રિન્ટમાં નહતું આવ્યું? તે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા ઈટાલિક શૈલીમાં હાથથી લખવામાં આવ્યું હતું.
શાંતિનિકેતનના કલાકારો દ્વારા કલાકૃતિ
બંધારણના દરેક પાનાને શાંતિનિકેતનના કલાકારો દ્વારા શણગારવામાં આવ્યા છે, જેમાં નંદલાલ બોઝ અને તેમના શિષ્યોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં લાગેલો સમય
તેનો મુસદ્દો તૈયાર કરવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. આ સમય દરમિયાન, બંધારણ સભાએ ઘણા દેશોના બંધારણોનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો.
શ્રેષ્ઠતાનો સંગમ!
ભારતીય બંધારણને ઘણીવાર 'ઉધારની થેલી' કહેવામાં આવે છે કારણ કે તેના વિવિધ ભાગો અન્ય દેશોથી પ્રેરિત છે. ઉદાહરણ તરીકે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો ફ્રાન્સથી લેવામાં આવ્યા હતા. પરંતુ તે ઉધારની થેલી નથી, તે શ્રેષ્ઠતાનો સંગમ છે.
પ્રથમ પરેડ ક્યાં યોજાઈ હતી?
આજે આપણે રાજપથ (કર્તવ્ય પથ) પર ભવ્ય પરેડ જોઈએ છીએ, પરંતુ 1950થી 1954ની વચ્ચે, રાજપથ પર નહીં, પરંતુ ઇરવિન સ્ટેડિયમ (હવે રાષ્ટ્રીય સ્ટેડિયમ), લાલ કિલ્લો અને રામલીલા મેદાનમાં પરેડ યોજાતી હતી.
રાષ્ટ્રપતિને સલામ
જ્યારે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન તિરંગો ફરકાવે છે, ત્યારે તેમને 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ સલામી લશ્કરી સન્માનનું સર્વોચ્ચ પ્રતીક છે.
'અબાઈડ વિથ મી' અને 'એ મેરે વતન કે લોગોં'
બીટિંગ રીટ્રીટ સમારંભમાં પહેલા 'અબાઈડ વિથ મી' ની ધૂન પર વગાડવામાં આવતી હતી, પરંતુ હવે ભારતીયતાને પ્રોત્સાહન આપવા માટે 'એ મેરે વતન કે લોગોં' જેવી ભારતીય ધૂન અને ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય મહેમાનની પરંપરા
1950માં પ્રથમ પ્રજાસત્તાક દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન રહ્યા હતા. ત્યારથી, દર વર્ષે કોઈ રાજ્યના વડાને આમંત્રિત કરવાની પરંપરા ચાલી રહી છે.

