FCRA અને FDI વચ્ચે શું તફાવત છે? વિદેશી ફંડિંગના કાયદામાં ફેરફારના પ્રસ્તાવ પર કેમ આટલી બધી બબાલ?

વિદેશી ફંડિંગ (Foreign Funding) ને લઈને ભારતમાં અવારનવાર ચર્ચા જાગતી રહે છે. જ્યારે પણ કોઈ NGO, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા કે સામાજિક સંગઠનના વિદેશી દાનની વાત આવે છે, ત્યારે 'ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ' (FCRA) નું નામ સામે આવે છે. FCRA શું છે અને તેની જરૂરિયાત કેમ પડી, ચાલો વિગતવાર સમજીએ.
-
બિલમાં રિન્યુઅલ માટે ન્યૂનતમ વપરાશની મર્યાદા પણ પ્રસ્તાવિત છે.
-
આ કાયદો વિદેશી ફંડિંગ ધરાવતી કેટલીક ખાસ પ્રવૃત્તિઓ પર રોક લગાવે છે.
-
તે નક્કી કરે છે કે કોણ વિદેશી ફંડિંગ મેળવી શકે છે અને કઈ શરતો પર.
સંસદના ચાલુ ચોમાસું સત્રમાં 'ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) સુધારા વિધેયક ૨૦૨૬' સૌથી વધુ ચર્ચામાં છે. સરકાર તેને વિદેશી ફંડિંગમાં વધુ પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ગણાવી રહી છે, જ્યારે વિપક્ષી પક્ષો, NGO અને અનેક સિવિલ સોસાયટી સંગઠનો તર્ક આપી રહ્યા છે કે આનાથી કેન્દ્ર સરકારને વિદેશથી દાન મેળવતી સંસ્થાઓ પર અતિશય સત્તા મળી જાય છે.
પરંતુ બીજો એક કાયદો છે FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ), જેના દ્વારા પણ વિદેશમાંથી જ નાણાં આવે છે. તો આ બંને વચ્ચે શું તફાવત છે?
આ કાયદો શું નક્કી કરે છે?
આ વિધેયકનો હેતુ 'ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ' (FCRA) માં સુધારો કરવાનો છે. આ કાયદો નક્કી કરે છે કે ભારતમાં બિન-સરકારી સંગઠનો (NGO), ચેરિટેબલ ટ્રસ્ટ, ધાર્મિક સંસ્થાઓ અને એસોસિએશન્સ વિદેશી દાન કેવી રીતે મેળવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે.
FDI દ્વારા રોકાણ (Foreign Direct Investment)
FDI એટલે 'પ્રત્યક્ષ વિદેશી રોકાણ'. જ્યારે કોઈ વિદેશી કંપની, સંસ્થા કે વ્યક્તિ ભારતની કોઈ કંપની કે વ્યવસાયમાં લાંબા ગાળા માટે રોકાણ કરે છે અને તેના બદલામાં કંપનીમાં ભાગીદારી (Ownership/Equity) મેળવે છે, તો તેને FDI કહેવાય છે. દાખલા તરીકે, જો અમેરિકા કે જાપાનની કોઈ કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપે, નવી કંપની શરૂ કરે કે કોઈ ભારતીય કંપનીના શેર ખરીદીને તેમાં નોંધપાત્ર હિસ્સેદારી લે, તો તે FDI કહેવાય છે.
વિદેશી દાન અને FCRA
FCRA એક એવો કાયદો છે જે વિદેશથી મળતા દાન (Foreign Contribution) અને વિદેશી આતિથ્ય (Foreign Hospitality) ને નિયંત્રિત કરે છે. જો કોઈ NGO, ટ્રસ્ટ, સોસાયટી કે કંપની વિદેશથી ફંડ મેળવવા માંગતી હોય, તો તેણે ગૃહ મંત્રાલય (MHA) હેઠળના FCRA ના નિયમોનું પાલન કરવું પડે છે. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદેશી નાણાંનો ઉપયોગ દેશની સાર્વભૌમત્વ, સુરક્ષા, લોકશાહી વ્યવસ્થા કે રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ન થાય.
FCRA નો ઇતિહાસ અને સુધારાઓ
-
૧૯૭૬: પ્રથમ વખત FCRA કાયદો લાગુ કરાયો. હેતુ વિદેશી નાણાંનો ઉપયોગ રાજકીય કે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે ન થાય તે જોવાનો હતો.
-
૧૯૮૪: મોટો સુધારો કરાયો. વિદેશી ફંડ લેનારા NGO માટે ગૃહ મંત્રાલયમાં રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું.
-
૨૦૧૦: ૧૯૭૬ના કાયદાને બદલીને નવો FCRA ૨૦૧૦ લાગુ કરાયો. રજીસ્ટ્રેશન દર ૫ વર્ષે રિન્યૂ કરાવવું ફરજિયાત કરાયું.
-
૨૦૨૦: મોટા ફેરફારો કરાયા. વિદેશી દાન માત્ર SBI નવી દિલ્હીની નિર્ધારિત શાખાના FCRA ખાતામાં જ મેળવવાનો નિયમ બનાવાયો. એક NGO થી બીજા NGO ને ફંડ ટ્રાન્સફર (Sub-granting) પર રોક લગાવાઈ. વહીવટી ખર્ચની મર્યાદા ૫૦% થી ઘટાડીને ૨૦% કરાઈ. હોદ્દેદારો માટે ઓળખ દસ્તાવેજો રજૂ કરવાના નિયમો કડક કરાયા.
-
૨૦૨૨: વિદેશમાં રહેતા સગા-સંબંધીઓ પાસેથી મળતી રકમની મર્યાદા ૧ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરાઈ.
હવે કયા મુખ્ય ફેરફારો પ્રસ્તાવિત છે?
૧. ડેઝિગ્નેટેડ ઓથોરિટી (Designated Authority): કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક ખાસ પ્રધિકરણની રચના કરાશે. જો કોઈ સંસ્થાનું FCRA રજીસ્ટ્રેશન રદ્દ થાય, સરેન્ડર થાય કે રિન્યૂ ન થાય, તો આ ઓથોરિટી વિદેશી દાન અને તેનાથી બનાવાયેલી મિલકતોનું સંચાલન પોતાના હાથમાં લઈ શકશે.
૨. રિન્યુઅલના નિયમો: જે સંસ્થાઓએ છેલ્લા ૨ નાણાકીય વર્ષો દરમિયાન ૧૦ લાખ રૂપિયાથી ઓછું વિદેશી દાન મેળવ્યું હોય કે વાપર્યું હોય, તેઓ રિન્યુઅલ માટે પાત્ર બનશે નહીં.
૩. વધારાની માહિતી: સંસ્થાઓએ જણાવવું પડશે કે વિદેશી દાનનો ઉપયોગ કયા કામો માટે થશે, કયા રાજ્યોમાં પ્રોજેક્ટ લાગુ થશે અને તેમની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પર હાજરીની વિગતો આપવી પડશે.
FCRA બિલ પર વિવાદ કેમ છે?
'ડેઝિગ્નેટેડ ઓથોરિટી'ને અપાતી પ્રસ્તાવિત સત્તાઓ વિવાદનું સૌથી મોટું કારણ બની છે. અનેક NGO અને સિવિલ સોસાયટી સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ થાય, તો વર્ષોથી વિદેશી દાનથી ઊભી કરાયેલી મિલકતો (જેમ કે હોસ્પિટલ, શાળા વગેરે) સરકારના કંટ્રોલમાં આવી જશે. કેરળ જેવા રાજ્યોમાં આ વિરોધ વધુ તીવ્ર છે.

