VIDEO: ખાંડની કાળાબજારી રોકવા એક્શન મોડમાં સરકાર, તહેવારોની સિઝન પહેલા સ્ટોક પર રાખશે નજર
આગામી તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે દેશમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે મોટા પગલાં લીધાં છે. તહેવારો દરમિયાન ખાંડની માંગમાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે ખાંડના સ્ટોક પર કડક નજર રાખવાનો નિર્ણય કર્યો છે.
1 થી 14 ઓગસ્ટ દરમિયાન ચકાસણી
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ હેઠળના 'ડિરેક્ટોરેટ ઓફ સુગર એન્ડ વેજીટેબલ ઓઇલ્સ' દ્વારા દેશની તમામ સુગર મિલોને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ 1 થી 14 ઓગસ્ટ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની સંયુક્ત ટીમો સુગર મિલોની રૂબરૂ મુલાકાત લઈને મિલોમાં હાજર ખાંડના વાસ્તવિક સ્ટોકનું ફિઝિકલ વેરિફિકેશન કરશે.
સ્ટોકમાં ગડબડ જણાશે તો થશે કડક કાર્યવાહી
તપાસ દરમિયાન જૂન 2026ના P-2 સ્ટોક રિટર્નને આધાર માનવામાં આવશે, અને ત્યારબાદ જુલાઈ મહિનામાં થયેલા વેચાણ અને ડિસ્પેચ સાથે વાસ્તવિક સ્ટોકની ચકાસણી કરવામાં આવશે. જો મિલના રેકોર્ડ અને વાસ્તવિક સ્ટોકમાં કોઈ તફાવત જણાશે તો તેને 'સુગર કંટ્રોલ ઓર્ડર'નું ઉલ્લંઘન માનવામાં આવશે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સ્ટોકમાં અનિયમિતતા જણાશે તો સંબંધિત સુગર મિલ સામે 'એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955' અને 'સુગર કંટ્રોલ ઓર્ડર 2025' હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
GST ડેટા સાથે પણ થશે ક્રોસ-વેરિફિકેશન
આ ઉપરાંત, જુલાઈ 2026ના વેચાણના આંકડાઓને GST ડેટા સાથે પણ મેચ કરવામાં આવશે. જો આ આંકડાઓમાં કોઈ વિસંગતતા જોવા મળશે, તો તે સુગર મિલનો ઓક્ટોબર 2026નો ઘરેલુ સુગર કોટા રદ થઈ શકે છે. સરકારે તમામ મિલોને વેચાણ અને સ્ટોકનો સાચો રેકોર્ડ જાળવી રાખવા સખત સૂચના આપી છે.

