ચોથા ત્રિમાસિકમાં TCSના નફામાં 9 ટકાનો વધારો, રોકાણકારોને શેરદીઠ આટલા રૂપિયા મળશે ડિવિડન્ડ
દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)એ નાણાકીય વર્ષ 2023-24 માટે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો

દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)એ નાણાકીય વર્ષ 2023-24 માટે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો જારી કર્યા છે. જોકે, આવકની દૃષ્ટિએ વૃદ્ધિ નજીવી રહી છે. ચોથા ત્રિમાસિકમાં રૂ. 12,434 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે રૂ. 11392 કરોડ સામે 9.1 ટકા વધ્યો છે. જ્યારે આવક 3.5 ટકા વધી રૂ. 61237 કરોડ થઈ છે.
ટીસીએસ બોર્ડે રોકાણકારો માટે શેરદીઠ રૂ. 28નું અંતિમ ડિવિડન્ડ જારી કર્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના અંતે ટીસીએસે તેના રોકાણકારોને શેરદીઠ કુલ રૂ. 73 ડિવિડન્ડની લ્હાણી કરી છે. જાન્યુઆરીમાં શેરદીઠ રૂ. 18 પેટે સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું.
નાણાકીય વર્ષ 2023-24માં ટીસીએસની આવક 6.8 ટકા વધી રૂ. 240893 કરોડ થઈ છે. જ્યારે ચોખ્ખો નફો 45908 કરોડ થયો છે. જે 2022-23માં રૂ. 42147 કરોડ નોંધાયો હતો. ઓપરેટિંગ માર્જિન પણ 24.6 ટકા વધ્યા છે. વર્ષ દરમિયાન શેરદીઠ કમાણી રૂ. 125.88 થઈ છે.
ટીસીએસે ચોથા ત્રિમાસિકમાં નવી ભરતીમાં કોઈ ખાસ વૃદ્ધિ નોંધાવી નથી. ચોથા ત્રિમાસિકમાં 1759 કર્મચારીઓની સંખ્યા ઘટતાં નાણાકીય વર્ષ 2023-24ના અંતે કુલ 601546 કર્મચારીઓ ધરાવે છે. તે દરમિયાન કંપનીનો છટણીનો દર 12.5 ટકા નોંધાયો છે. ટીસીએસનો શેર આજે બીએસઈ ખાતે 0.48 ટકા સુધારા સાથે 4003.80ના સ્તરે બંધ રહ્યો હતો.






