VIDEO: સોના-ચાંદીમાં જોરદાર તેજી, સોનું ₹1.54 લાખને પાર તો ચાંદી ₹2.40 લાખ નજીક
Gold and Silver Price News : ભારતીય વાયદા બજાર (MCX) માં આજે કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન સોનાના ભાવમાં 1823 રૂપિયા (1.20%) નો જંગી વધારો નોંધાયો છે, જેના કારણે સોનું ફરી એકવાર 1,50,000 ની માનસિક સપાટી કૂદાવીને 1,54,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીમાં પણ 3234 રૂપિયા (1.37%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેથી ચાંદી 2,40,000 ના ઓલ-ટાઇમ હાઇ લેવલની અત્યંત નજીક પહોંચીને 2,39,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.
સાતમે સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી
આજે સાતમ પણ છે ત્યારે સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX ની આંકડાકીય વિગતો મુજબ, સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 152402.00 રૂપિયા હતો. આજે બજાર ખુલતાની સાથે જ તે 153799.00 રૂપિયાના ભાવે ઓપન થયું હતું અને દિવસ દરમિયાન 153476.00 ના નીચલા સ્તરથી વધીને 154225.00 ની ઊંચી સપાટીએ સ્પર્શ્યું હતું. ચાંદીની વાત કરીએ તો, તેનો અગાઉનો બંધ ભાવ 236266.00 રૂપિયા હતો, જે આજે વધીને 238229.00 ના ભાવે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદી 237980.00 ના લોઅર લેવલથી ઉછળીને 239500.00 ના હાઇ લેવલ સુધી પહોંચી ગઈ હતી.
ભાવમાં અચાનક તેજી આવવાનું મુખ્ય કારણ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળા પાછળ મુખ્યત્વે અમેરિકાના નબળા આર્થિક આંકડા અને યુએસ ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધેલી શક્યતાઓ જવાબદાર છે. તાજેતરમાં જાહેર થયેલા ADP પ્રાઇવેટ પેરોલ ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા છે, જે દર્શાવે છે કે અમેરિકાનું શ્રમ બજાર (Labor Market) સુસ્ત પડી રહ્યું છે. આ નબળા રિપોર્ટને કારણે યુએસ ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે, જેનાથી રોકાણકારો સુરક્ષિત રોકાણ (Safe-haven Demand) તરીકે કીમતી ધાતુઓ તરફ વળ્યા છે. આ સિવાય, ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં વધુ કપાત કરશે તેવી મજબૂત અટકળો અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tensions) ને કારણે પણ સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની માંગ વધતાં કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

