મુંબઈ એરપોર્ટ પર DRIનો મોટો સપાટો: ₹10.75 કરોડનું સોનું જપ્ત, એરપોર્ટ કર્મચારી સહિત 5 બાંગ્લાદેશીઓની ધરપકડ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડીઆરઆઈની મુંબઈ ઝોનલ યુનિટે કાર્યવાહી દરમિયાન ૨૪ કેરેટનું ૬.૮૫૯ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે રુ. ૧૦.૭૫ કરોડ હોવાનું કહેવાય છે. આ કેસમાં એરપોર્ટ કર્મચારી તથા પાંચ બાંગ્લાદેશી મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.
૨૯ ઓગસ્ટની રાત્રે તપાસ દરમિયાન એક એરપોર્ટ કર્મચારીને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. તે સુરક્ષા વ્યવસ્થાને ટાળીને એરપોર્ટની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની તપાસ કરતાં મીણના સ્વરૂપમાં સાત કેપ્સ્યુલમાં છુપાવેલ ગોલ્ડ ડસ્ટ મળી આવ્યું હતું. આ બાદ વધુ પૂછપરછ દરમિયાન તે ટ્રાન્ઝિટ મુસાફરો પાસેથી સોનું મેળવી એરપોર્ટની બહાર પહોંચાડતો હોવાનો ખુલાસો થયો હતો.
આરોપી એરપોર્ટ કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ એરપોર્ટ પર હાજર રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ કરી તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૪ કેરેટનું મીણ સ્વરુપના ગોલ્ડ ડસ્ટથી ભરેલા કુલ ૧૬ કેપ્સ્યુલો મળી આવ્યા હતા. તેમાં રહેલા સોનાનું કુલ વજન ૬.૮૫૯ કિલોગ્રામ હોવાનું અને બજાર તેની કિંમત રુ.૧૦.૭૫ કરોડ જેટલી હોવાનું જણાવાયું હતું.
પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ મુસાફરોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેંગનું નેટવર્ક દુબઈ, બેંગકોક અને માલદીવ સુધી ફેલાયેલું હતું.

