Stock Market: સેન્સેક્સ 210 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,615 પર બંધ

ભારતીય શેરબજારમાં મંગળવારે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ચાલી આવતી તેજી પર બ્રેક વાગી ગઈ છે. બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને આઇટી શેરોમાં વેચવાલીના દબાણને કારણે મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. બીજી તરફ, રોકાણકારોએ બુધવારે આવનારા ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીના નિર્ણય પહેલાં સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું.
ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 210.08 પોઇન્ટ એટલે કે 0.27 ટકાના ઘટાડા સાથે 78,428.95 પર બંધ થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 50- 159.40 પોઇન્ટ એટલે કે 0.64 ટકા તૂટીને 24,614.90ના સ્તરે બંધ રહ્યો હતો.
બેન્કિંગ અને આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ
સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને આઇટી સેક્ટરના શેરોમાં નબળાઈ જોવા મળી હતી. આની અસર બજારના મુખ્ય સૂચકાંકો પર સ્પષ્ટ દેખાતી હતી. રોકાણકારોએ પણ આરબીઆઈ દ્વારા વ્યાજદરો અંગે થનારી જાહેરાત પહેલાં નવું રોકાણ કરવાનું ટાળ્યું હતું.
નિફ્ટીમાં આ શેરો સૌથી વધુ નુકસાન કરનારા રહ્યાનિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને હિન્દુસ્તાન યુનિલિવર સૌથી વધુ નુકસાન ઉઠાવનારા શેરોમાં સામેલ હતા.
રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટીમાં ૨ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તે દિવસનો સૌથી નબળો સેક્ટર રહ્યો હતો. આ સિવાય નિફ્ટી એફએમસીજી, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ દબાણ હેઠળ રહ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ શેરોનું મિશ્ર પ્રદર્શન
બજારમાં વ્યાપક સ્તરે કારોબાર મિશ્ર રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૨૯ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૨૩ ટકાનો વધારો નોંધાવવામાં સફળ રહ્યો હતો.
24,750-24,780ના સ્તર પ્રતિકાર આવશે
એસબીઆઈ સિક્યોરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ રિસર્ચ હેડ સુધીપ શાહના જણાવ્યા અનુસાર, મંગળવારે નિફ્ટીએ ગેપ-ડાઉન એટલે કે નબળી શરૂઆત કરી હતી અને આખો દિવસ દબાણ હેઠળ ટ્રેડિંગ કરતો રહ્યો હતો. જો કે, ક્લોઝિંગ સમયે સીએએસ સેટલમેન્ટ પ્રાઇસ બપોરે 3:15 વાગ્યાના સ્તર કરતાં 152 પોઇન્ટ ઊંચી રહેવાને કારણે નિફ્ટી 24,600ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ટેકનિકલ ચાર્ટ પર નાની બોડી વાળી કેન્ડલ અને લાંબી લોઅર શેડો બની છે, જે નીચલા સ્તરે ખરીદીની હાજરી સૂચવે છે. તેમના મતે, આગામી સત્રોમાં 24,750 થી 24,780ની રેન્જ નિફ્ટી માટે મજબૂત રેઝિસ્ટન્સ રહેશે. જો નિફ્ટી આ સ્તરની ઉપર ટકવામાં સફળ રહેશે, તો તેમાં 24,900 અને ત્યારબાદ 25,050 સુધીની તેજી જોવા મળી શકે છે. બીજી તરફ, નીચેની બાજુએ 24,460 થી 24,430નું સ્તર તાત્કાલિક સપોર્ટ તરીકે મહત્વપૂર્ણ રહેશે.
નવા NSE ક્લોઝિંગ મેકેનિઝમ પર ઉઠ્યા સવાલજીઓજિત ઇન્વેસ્ટમેન્ટ્સ (Geojit Investments) ના રિસર્ચ પ્રમુખ વિનોદ નાયરનું કહેવું છે કે મંગળવારની સાપ્તાહિક એક્સપાયરી અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ના ક્લોઝિંગ પ્રાઇસ નક્કી કરવા માટે લાગુ કરવામાં આવેલા નવા મેકેનિઝમના કારણે બજારમાં અસામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો.
તેમણે કહ્યું કે, નિફ્ટી શેરો અને ઇન્ડેક્સના 3:30 વાગ્યા અને 3:40 વાગ્યાના ક્લોઝિંગ પ્રાઇસ વચ્ચે મોટો તફાવત અને સેન્સેક્સની સાથે દેખાતો તફાવત એ સંકેત આપે છે કે નવી વ્યવસ્થા હાલમાં અપેક્ષિત રીતે કામ કરી રહી નથી. આના કારણે બજારમાં અસ્થિરતા વધી અને 15 મિનિટના બ્લાઇન્ડ ડેરિવેટિવ સેશન પહેલાં ખાસ કરીને રિટેલ રોકાણકારોની ઘણી પોઝિશન મજબૂરીમાં સ્ક્વેર ઓફ કરવી પડી.
હવે બજારની નજર બુધવારે આવનારા આરબીઆઈના વ્યાજ દર સંબંધી નિર્ણય પર રહેશે. આ નિર્ણયથી આગામી ટ્રેડિંગ સેશનમાં બજારની દિશા નક્કી થવાની આશા છે.

