શેરબજારમાં તેજીનો માહોલ; માર્કેટ કેપ ફરી 5 લાખ કરોડ ડોલરને પાર, રોકાણકારો માલામાલ

મુંબઈ: લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્ધનો આખરે અંત લાવવા બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. આ સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં પણ મંદીના વાદળો વિખેરી નાખ્યા છે અને બજારમાં તેજીના હિલોળા જોવા મળી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે ૧૦ પૈસાના સુધારા સાથે ૯૪.૫૦ થઈ જતાં, રોકાણકારોની સંપત્તિ એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન આજે ફરી પાંચ લાખ કરોડ ડોલરનો આંક વટાવી ગયું છે. બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ એકત્રિત માર્કેટ કેપિટલાઇઝેશન આજે રૂ. ૨.૮૮ લાખ કરોડ વધીને રૂ. ૪૭૫.૧૧ લાખ કરોડ (એટલે કે ૫.૦૨ લાખ કરોડ ડોલર)ની ઊંચાઈએ પહોંચી ગયું છે.
છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેરબજારના સેન્સેક્સમાં ૩૩૨૩.૦૭ પોઇન્ટ (૪.૫૦ ટકા) અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં ૯૨૪.૦૧ પોઇન્ટ (૩.૯૮ ટકા)નો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ બંને બેન્ચમાર્ક છ અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
બીજી તરફ, શેરોમાં એકત્રિત માર્કેટ કેપિટલાઇઝેશન (રોકાણકારોની સંપત્તિ) જે ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ રૂ. ૪૫૨.૩૩ લાખ કરોડ હતી, તે ચાર દિવસમાં રૂ. ૨૨.૭૮ લાખ કરોડ વધીને રૂ. ૪૭૫.૧૧ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. ડોલરના રૂ. ૯૪.૫૦ના ભાવ મુજબ તે ૫.૦૨ લાખ કરોડ ડોલર થાય છે. આ સ્તર અગાઉ છેલ્લે ૮ મે, ૨૦૨૬ના રોજ જોવા મળ્યું હતું.
છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ વ્યાપક ખરીદીનું આકર્ષણ જોવા મળ્યું છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં સેન્સેક્સ આશરે ૭ ટકા જેટલો વધ્યો છે, જ્યારે બીએસઈ મિડકેપ ૧૫૦ ઇન્ડેક્સમાં ૧૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૩ ટકાનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન તેજીમાં માર્કેટ કેપિટલાઇઝેશન ૫.૦૨ લાખ કરોડ ડોલરે પહોંચવા છતાં, તે સપ્ટેમ્બર ૨૦૨૪ની ૫.૭ લાખ કરોડ ડોલરની ઓલ-ટાઇમ હાઈ (સર્વોચ્ચ રેકોર્ડ સપાટી) કરતાં હજુ નીચું છે.
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) ખરીદી કરી રહ્યા હતા, પરંતુ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) પણ ફરી ખરીદદાર બન્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વિદેશી રોકાણને આકર્ષવા માટે લેવાયેલા પગલાં અને પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવા મળી છે.
આ દરમિયાન, બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા વીઆઇએક્સ' (India VIX) પણ આજે ૧.૩૧ ટકા ઘટીને ૧૩.૧૯ પર આવી ગયો છે, જે તેના બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટી ૮.૯૦થી ૫૪.૩૬ ટકા ઓછો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તેની ૯૬.૯૬ની ઓલ-ટાઇમ નીચી સપાટીથી મજબૂત થઈને હવે ૯૪.૫૦ પર પહોંચ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પણ માર્ચ ૨૦૨૬ની પ્રતિ બેરલ ૧૧૯.૫૦ ડોલરની ઊંચી સપાટીથી ગબડીને ૮૦ ડોલરની સપાટીએ અને નાયમેક્સ (NYMEX) ન્યૂયોર્ક ક્રૂડ ૭૭ ડોલરની સપાટીએ આવી જતાં શેરબજારમાં રોકાણકારોનો ફરી ધસારો જોવા મળ્યો છે.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની ડીલની સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-૭ (G-7) સમિટ દરમિયાન યોજાનારી બેઠક પર પણ બજારની નજર છે. આ બેઠકથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ સુધરવાની અને બંને દેશો વચ્ચે અપેક્ષિત 'ટ્રેડ ડીલ' પર આખરી મહોર લાગવાની આશાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બજારમાં સળંગ ચોથા દિવસે તેજી જળવાઈ રહી હતી અને ફંડોએ કેપિટલ ગુડ્સમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે જ પાવર, મેટલ, આઈટી, બેંકિંગ અને ફાઇનાન્સ શેરોમાં પણ લેવાલી નીકળી હતી અને સ્મોલ તેમજ મિડકેપ શેરોમાં આકર્ષણ વધ્યું હતું.

