સેબીની નવી પહેલ: બ્રોકરેજ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પર વેરિફિકેશન ટિક મળશે, નકલી એપ્સ પર લગામ આવશે

SEBI: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રોકાણકારોને છેતરપિંડીવાળી એપ્સથી બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ માહિતી સેબીના પૂર્ણકાલીન સભ્ય કમલેશ ચંદ્ર વાર્ષ્ણેયે શનિવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બ્રોકર્સ ફોરમના કેપિટલ માર્કેટ કન્ફ્લુઅન્સ ખાતે આપી હતી. તેમણે કહ્યું કે સેબીએ ગૂગલને પ્લે સ્ટોર પર નોંધાયેલ બ્રોકરેજ એપ્સ માટે વેરિફિકેશન ટિક માર્ક્સ રજૂ કરવા વિનંતી કરી છે. ગૂગલે વિનંતી સ્વીકારી છે અને આ સુવિધા આગામી બે મહિનામાં પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે.
વાર્ષ્ણેયે જણેવ્યું હતું કે, જ્યારે તમે પ્લે સ્ટોર ખોલશો, ત્યારે રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સની એપ્સ પર ટિક માર્ક દેખાશે. આ ટિક માર્ક રોકાણકારોને અસલી અને નકલી એપ્સ વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે. સેબીની આ પહેલનો હેતુ રોકાણકારોને છેતરપિંડીથી બચાવવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, સેબીએ છેતરપિંડી અટકાવવા માટે અન્ય ઘણા પગલાં પણ લીધા છે, જેમ કે માન્ય યુપીઆઇ પહેલ અને 'સેબી વર્સીઝ સ્કેમ' અભિયાન, જે રોકાણકારોમાં જાગૃતિ લાવવા માટે કામ કરી રહ્યા છે.
કોમોડિટી બજારો અને અલ્ગો ટ્રેડિંગ પર પણ સેબીએ ધ્યાન કેન્દ્રીત કર્યુંઃ
સેબી કોમોડિટી બજારને ફરી મજબુત કરવા માટે પણ કામ કરી રહી છે. વાર્શ્નેયે સમજાવ્યું કે કોમોડિટી બજારમાં કેટલાક પડકારો છે, જેમાં બ્રોકર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, સંવૈધાનિક મર્યાદાઓના કારણે હાજરના સોદા થઈ શકતા નથી, કારણ કે આ મુદ્દો રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ખેડૂતોને તાત્કાલિક ભંડોળની જરૂર છે અને ભવિષ્યના સમાધાન માટે રાહ જોઈ શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં, બ્રોકર્સ કોમોડિટી બજારોને સુધારવામાં મદદ કરી શકે છે. સેબી પણ આ દિશામાં પ્રવાહિતા વધારવા માટે પગલાં લઈ રહી છે. વધુમાં, સેબી અલ્ગોરિધમિક (અલ્ગો) ટ્રેડિંગના અમલીકરણના પડકારો પર પણ કામ કરી રહ્યું છે.
વાર્શ્નેયે જણાવ્યું હતું કે અલ્ગો ટ્રેડિંગ ભવિષ્યની જરૂરિયાત છે. અગાઉ, તેના અમલીકરણમાં કેટલીક મુશ્કેલીઓને કારણે આ માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. સેબીએ હવે ડિસેમ્બર સુધીમાં બધું જ ગોઠવી દેવાનું લક્ષ્ય રાખ્યું છે, અને આશા વ્યક્ત કરી છે કે ત્યાં સુધીમાં અલ્ગો ટ્રેડિંગ સંબંધિત બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

