ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય, ₹7,503 કરોડના 12 નવા પ્રોજેક્ટને મંજૂરી

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય, ₹7,503 કરોડના 12 નવા પ્રોજેક્ટને મંજૂરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન (Electronics Manufacturing) ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (MeitY) દ્વારા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ વધુ 12 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ ₹7,503 કરોડનું રોકાણ (Investment) પ્રસ્તાવિત છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સથી દેશમાં ₹39,045 કરોડથી વધુનું ઉત્પાદન થવાની સાથે 7,000થી વધુ લોકોને રોજગારી (Employment) મળવાની અપેક્ષા છે.

દેશમાં પ્રથમ વખત કેથોડ મટિરિયલનું ઉત્પાદન

મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત કેથોડ મટિરિયલ (Cathode Material) ઉત્પાદન એકમ સ્થાપિત થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક્સ અને બેટરી ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મંજૂરી આપવામાં આવેલા અન્ય પ્રોજેક્ટ્સમાં કેપિટલ ગુડ્સ (Capital Goods), સ્પેશિયાલિટી સિરામિક્સ (Specialty Ceramics), પોલીપ્રોપીલિન ફિલ્મ, એનોડ મટિરિયલ અને કેમેરા રિંગ જેવા ઘટકોના ઉત્પાદનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી મેળવનારી કંપનીઓમાં મોડર્ન ઓટોમોટિવ્સ, ટીડીકોનેક્સ (ચેન્નાઈ), વિપ્રો પારી રોબોટિક્સ અને રોકવેલ ઓટોમેશન ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

જાહેરાત

કુલ રોકાણ ₹77,051 કરોડે પહોંચ્યું

આ નવી મંજૂરીઓ બાદ ECMS હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની સંખ્યા વધીને 118 થઈ છે. આ પ્રોજેક્ટ્સ દેશનાં 16 રાજ્યોમાં 34 પ્રકારનાં ઉત્પાદનો સાથે સંબંધિત છે. યોજનામાં અત્યાર સુધીનું કુલ મંજૂર રોકાણ ₹77,051 કરોડે પહોંચ્યું છે, જે શરૂઆતના ₹59,350 કરોડના લક્ષ્યાંક કરતાં ઘણું વધારે છે. તેવી જ રીતે, અંદાજિત ઉત્પાદન ક્ષમતા ₹4.56 લાખ કરોડથી વધીને ₹5.73 લાખ કરોડ થઈ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 81,755 રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે.

MSME ક્ષેત્રને પણ મળશે પ્રોત્સાહન

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ મંજૂરી મેળવનારા લગભગ 50 ટકા એકમો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) છે. સરકારનો ઉદ્દેશ માત્ર તૈયાર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું એસેમ્બલિંગ કરવા પૂરતો મર્યાદિત રહેવાને બદલે સમગ્ર ઉત્પાદન સપ્લાય ચેઇન (Supply Chain) દેશમાં વિકસાવવાનો છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે ECMS હેઠળ મંજૂરી મેળવનારા 18થી 19 બિનગંભીર અરજદારોના પ્રસ્તાવ રદ કરવાની પણ ભલામણ કરી છે. સરકારનો પ્રયાસ ગંભીર રોકાણકારોને પ્રોત્સાહન આપીને ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત