VIDEO: સોનું-ચાંદી મોંઘું થવાના એંધાણ! 3% GST છૂટ ખતમ કરવા સરકારનો મોટો પ્લાન
સોના અને ચાંદીની આયાતને લઈને સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પર બૅન્કો તથા અધિકૃત એજન્સીઓને મળતી 3 ટકા ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ની છૂટ હવે ખતમ થઈ શકે છે. આ અંગે 7 ઓક્ટોબરે યોજાનારી જીએસટી કાઉન્સિલ (GST Council)ની બેઠકમાં મહત્વની ચર્ચા થવાની શક્યતા છે.
GST કાઉન્સિલની બેઠકમાં થશે મોટો નિર્ણય?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિદેશમાંથી સોનું, ચાંદી અને પ્લેટિનમ આયાત કરતી નામાંકિત એજન્સીઓ તથા બૅન્કોને મળતી IGST મુક્તિ (Exemption) દૂર કરવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ સમક્ષ આવી શકે છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો કિંમતી ધાતુઓની આયાત સાથે જોડાયેલી વર્તમાન કર વ્યવસ્થામાં મોટો ફેરફાર થશે.
હાલમાં કોને મળે છે 3% IGSTમાંથી છૂટ?
હાલની વ્યવસ્થા પ્રમાણે સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત પર 3 ટકા IGST વસૂલવામાં આવે છે. જોકે બૅન્કો અને સરકાર દ્વારા અધિકૃત કેટલીક નામાંકિત એજન્સીઓને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.
વર્ષ 2017માં વેપારને સરળ બનાવવા અને આયાત પ્રક્રિયાને સુગમ બનાવવા માટે આ વિશેષ છૂટ આપવામાં આવી હતી. હવે સરકાર આ વ્યવસ્થાની ફરી સમીક્ષા કરી રહી છે.
સરકાર શા માટે છૂટ ખતમ કરવા માગે છે?
કિંમતી ધાતુઓની આયાત લાંબા સમયથી સરકાર માટે ચિંતાનો વિષય રહી છે. ખાસ કરીને સોનાની મોટી આયાતને કારણે દેશનું વિદેશી હૂંડિયામણ (Forex) બહાર જાય છે અને વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધે છે.
ભારત વિશ્વમાં સોનાનો સૌથી વધુ ઉપયોગ કરતા દેશોમાં સામેલ છે. ચીન બાદ ભારત સોનાનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક છે. સોનાની આયાત ઘટાડવા માટે સરકાર અગાઉ પણ આયાત ડ્યુટી (Import Duty)માં વધારો કરી ચૂકી છે.
બુલિયન વેપારીઓને થશે ફાયદો?
સરકાર જો 3 ટકા IGSTની છૂટ દૂર કરે છે તો બૅન્કો અને અધિકૃત એજન્સીઓને પણ આયાત સમયે આ ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી બુલિયન એજન્સીઓ અને અન્ય વેપારીઓ વચ્ચે ટેક્સની દૃષ્ટિએ વધુ સમાન વ્યવસ્થા ઊભી થઈ શકે છે.
આ નિર્ણયથી સરકારને કિંમતી ધાતુઓની આયાત પર નજર રાખવામાં અને વિદેશી હૂંડિયામણની બચતમાં મદદ મળી શકે છે. જોકે અંતિમ નિર્ણય 7 ઓક્ટોબરની GST કાઉન્સિલની બેઠક બાદ જ સ્પષ્ટ થશે.

