VIDEO: સોના-ચાંદીના ભાવમાં પીછેહઠ, ક્રૂડ ઘટ્યું, પ્લેટિનમ તૂટીને 1600 ડોલરની અંદર
મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ધીમી પીછેહઠ દેખાઇ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બે તરફી સાંકડી વધઘટ દર્શાવતા હતા. દરમિયાન, ક્રૂડ તેલના ભાવમાં ઉંચા મથાળેથી ઘટાડો આગળ વધ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૫૧ વાળા છેલ્લે ભાવ ૪૦૫૨થી ૪૦૫૩ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૮.૨૩થી ૫૮.૨૪ વાળા છેલ્લે ભાવ ૫૮.૧૭થી ૫૮.૧૮ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ નીચામાં ૧૦૧.૨૫ થયા પછી ઉંચામાં ૧૦૧.૫૩ થઇ ૧૦૧.૪૭ છેલ્લે રહ્યો હતો. અમેરિકામાં નવા સપ્તાહમાં ૨૮થી ૨૯ જુલાઇએ મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકામાં ફુગાવો ઉંચો રહ્યો છે એ જોતા ત્યાં હવે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર માટે કેવો વ્યુહ અપનાવવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂા. ૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૪૮૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂા. ૨૨૩૦૦૦ રહ્યા હતા.
મુંબઇ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂા. ૨૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂા. ૧૪૩૦૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૪૩૬૦૦ બોલાતા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૨૫૦ ઘટી રૂા. ૨૨૨૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડકેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૭.૮૦ વાળા નીચામાં ભાવ ૯૫.૧૩ થઇ છેલ્લે ભાવ ૯૬.૭૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૦.૦૮ વાળા નીચામાં ભાવ ૮૭.૬૮ થઇ ૮૯.૩૧ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૯૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંસદીઠ ૧૨૫૪થી ૧૨૬૦ વાળા છેલ્લે ભાવ ૧૨૪૬થી ૧૨૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૨૨ ટકા પ્લસમાં રહ્યા હતા. યુક્રેન દ્વારા રશિયામાં રિફાઇનરીઓ પર હુમલો કરાયાના સમાચાર હતા. આની અસર હવે નવા સપ્તાહમાં ક્રૂડના ભાવ પર દેખાવાની શક્યતા જાણકારો બતાવતા હતા. ઇરાન તથા અમેરિકા વચ્ચે વાતચીત ફરી શરૂ કરવા પાકિસ્તાને પ્રયત્નો શરૂ કર્યાના સમાચાર હતા. પાકિસ્તાનના આ પ્રયત્નોને ચીન દ્વારા સપોર્ટ કરાશે એવા સમાચાર પણ મળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનની કરન્સીમાં આ સપ્તાહ દરમિયાન જોવા મળેલો ઘટાડો છેલ્લા બે મહિનાનો સૌથી મોટોવિકલી ઘટાડો મનાઇ રહ્યો હતો તથા જાપાનની કરન્સી ગબડી નીચામાં ૪૦ વર્ષના તળીયે ઉતરી ગઇ હતી.

