Gold-Silver Rate Today: ચાંદીમાં રૂ.3,000નો ઉછાળો, 5 દિવસમાં 45,500 મોંઘી થઈ; જાણો શું છે ભાવ વધારાનું કારણ

દેશની રાજધાની (દિલ્હી)માં ગુરુવારે ચાંદીના ભાવમાં સતત વધારો યથાવત્ રહ્યો હતો અને તે રૂપિયા 3,000ના ઉછાળા સાથે રૂપિયા 2,89,000 પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત)ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે સોનાના ભાવ પણ રૂપિયા 1,47,300 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. 'ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન' દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ચાંદીની રેકોર્ડબ્રેક તેજીની મુખ્ય વિગતો
સતત તેજી: ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે 1.05 ટકા અથવા 3,000નો વધારો નોંધાયો છે. બુધવારે તેનો ભાવ રૂપિયા 2,86,000 પ્રતિ કિલોગ્રામ હતો.
5 દિવસમાં મોટો ઉછાળો
છેલ્લા માત્ર પાંચ સત્રમાં જ ચાંદીના ભાવમાં આશરે 16 ટકા અથવા રૂપિયા 45,500 નો જંગી વધારો થયો છે. ગત 8 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ રૂપિયા 2,43,500 પ્રતિ કિલોગ્રામ હતો. ચાંદી સતત બીજા વર્ષે વળતર (Return) આપવામાં સોના કરતા આગળ રહી છે.
વર્ષ 2026નું વળતર: 31 ડિસેમ્બર, 2025 ના રોજ ચાંદીનો ભાવ રૂપિયા 2,39,000 હતો, જે હવે વધીને રૂપિયા 2,89,000 થતા માત્ર 15 દિવસમાં રૂપિયા 50,000 (21 ટકા)નો વધારો નોંધાયો છે.
ચાંદી એક વ્યુહાત્મક ધાતુ તરીકે ઉભરી રહી છે
સોનાના ભાવમાં પણ સતત પાંચમા દિવસે તેજી જારી રહી હતી અને તે રૂપિયા 800 વધીને રૂપિયા 1,47,300 પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) પર પહોંચી ગયું છે. અગાઉના સત્રમાં સોનાનો ભાવ રૂપિયા 1,46,500 પ્રતિ 10 ગ્રામ હતો.
મળતી માહિતી અનુસાર, વર્તમાન સમયમાં ચાંદી એક વ્યૂહાત્મક ધાતુ (Strategic Metal) તરીકે ઉભરી રહી છે. ચાંદીના ભાવમાં આ ઉછાળો માત્ર રોકાણની માંગને કારણે જ નથી, પરંતુ ઔદ્યોગિક પરિવર્તનની જરૂરિયાતોને કારણે પણ સંચાલિત થઈ રહ્યો છે.
ચાંદીનું મહત્વ હવે વધુ વધ્યું
મળતી માહિતી અનુસાર, ભારતમાં ચાંદીનું મહત્વ પહેલા કરતા ઘણું વધી ગયું છે. પરંપરાગત રીતે મૂલ્ય-સંગ્રહક (રોકાણ) તરીકેની ભૂમિકા ઉપરાંત, હવે સોલર એનર્જી, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક મોબિલિટી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વધતી માંગને કારણે ચાંદીની બોલબાલા વધી છે. જેમ જેમ ભારત પોતાની રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને વેગ આપી રહ્યું છે, તેમ ચાંદીની ઔદ્યોગિક પ્રસ્તુતતા તેને લાંબા ગાળાની સ્થિરતા આપે છે.
સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ અસ્થિરતા
મળતી માહિતી પ્રમાણે, રિટેલ રોકાણકારો અને હાઈ નેટવર્થ પરિવારોમાં વધતી જતી રુચિ ચાંદીને સોનાની સાથે પોર્ટફોલિયોમાં એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરી રહી છે. જોકે, ચાંદી કુદરતી રીતે સોનાની સરખામણીએ વધુ અસ્થિર (Volatile) છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ, ડોલરની ચાલ અને સટ્ટાકીય પ્રવાહને કારણે તેના ભાવમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. તેથી, ચાંદીમાં મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે રોકાણ કરવું જોઈએ.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કેવું રહ્યું વલણ
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના તેમજ ચાંદીએ પોતાનો રેકોર્ડ સ્તરથી સામાન્ય સુધારો જોવા મળ્યો. ચાંદીનો ભાવ 2.13 ટકા તૂટીને USD 91.20 પ્રતિ ઔંસ થયો. જ્યારે બુધવારે આ 93.52 ડોલર પ્રતિ ઔંસ હતો. સોનાનો ભાવ 0.26 ટકા તૂટીને 4,614.45 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો. ગત સત્રમાં આ 4,643.06 ડોલર પ્રતિ ઔંસ હતો. મળતી માહિતી અનુસાર, સોનું અપેક્ષા કરતા સ્થિર છે. અને આશરે 4,600 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર રોકાયેલા છે કારણ કે, ટ્રેડર્સે લાભ બુક કર્યો.

