Iran Warથી સોનું બન્યું 35 ટ્રિલિયન ડોલરનો 'સુપરપાવર'! ભારત-UKની સંયુક્ત GDP કરતા પણ વધારે

વર્ષ 2026ની શરૂઆત સાથે જ મધ્ય પૂર્વમાં ભભૂકી ઉઠેલી યુદ્ધની જ્વાળાઓએ વિશ્વના આર્થિક નકશાને બદલી નાખ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સીધા સંઘર્ષે રોકાણકારોમાં એવો ફફડાટ ફેલાવ્યો છે કે 'સેફ હેવન' ગણાતા સોનામાં રોકાણનો મધપૂડો છંછેડાયો છે. સોનાનું બજાર મૂલ્ય હવે અંદાજે $30 થી $35 ટ્રિલિયનના આંકડાને સ્પર્શી ગયું છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) ના સંયુક્ત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતા પણ મોટો છે.
યુદ્ધ અને સોનાનો સંબંધ: ભયનું અર્થશાસ્ત્ર
જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા આવે છે, ત્યારે રોકાણકારો શેરબજાર કે કરન્સીને બદલે સોના પર વિશ્વાસ મૂકે છે. ઈરાન પર અમેરિકા સમર્થિત ઈઝરાયેલી હુમલા અને ત્યારબાદ ઈરાનના વળતા પ્રહાર પછી સોનાના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ $5,400 પ્રતિ ઔંસ ને પાર કરી ગયા છે અને તે $5,600 ની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચ્યા છે.
આ તેજી માત્ર યુદ્ધ પૂરતી સીમિત નથી, પરંતુ વર્ષોથી સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી ખરીદી અને કોરોનાકાળ પછી સતત વધી રહેલા ફુગાવાના ડરનું આ પરિણામ છે. આજે વિશ્વમાં જેટલું પણ સોનું ઉપલબ્ધ છે, તેનું કુલ મૂલ્ય ભારત (અંદાજે $4-5 ટ્રિલિયન) અને બ્રિટન ($3 ટ્રિલિયન) ની અર્થવ્યવસ્થાઓને જોડી દેવામાં આવે તો પણ તેના કરતા અનેકગણું વધારે છે.
શું સોનું નવી વૈશ્વિક આર્થિક શક્તિ છે?
વિશ્લેષકો હવે સોનાને એક 'ફિનાન્શિયલ સુપરપાવર' તરીકે ઓળખાવી રહ્યા છે. એક તરફ ભારત એક દાયકાથી પોતાની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન સુધી પહોંચાડવા માટે મથામણ કરી રહ્યું છે, જ્યારે સોનાએ કોઈપણ ફેક્ટરી, કામદારો કે ચૂંટણી વગર માત્ર લોકોના 'ડર' ને કારણે $35 ટ્રિલિયનની મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.
સોનાનું આ મૂલ્ય વૃદ્ધિ એ વાતનો સંકેત છે કે રોકાણકારોને હવે સરકારી કરન્સી (Fiat Currency) કરતા પીળી ધાતુ પર વધુ ભરોસો છે. 13 વર્ષના લાંબા ગાળા બાદ સોનાએ એક મોટો બ્રેકઆઉટ આપ્યો છે, જે 1972 અને 2005 જેવી તેજીની યાદ અપાવે છે.
વૈશ્વિક બજારોમાં લોહીની નદીઓ અને હોર્મુઝની કટોકટી
યુદ્ધની અસર માત્ર સોના સુધી મર્યાદિત નથી. ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) બંધ કરવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય તો દરરોજ 20 મિલિયન બેરલ તેલ જોખમમાં મુકાઈ શકે છે. આ જ કારણ છે કે એક તરફ સોનું વધી રહ્યું છે અને બીજી તરફ શેરબજારોમાં 'બ્લડબાથ' (Bloodbath) જેવી સ્થિતિ સર્જાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા જોવા મળી રહ્યા છે.
નિષ્ણાતોનો મત: શું આ તેજી ટકશે?
આર્થિક નિષ્ણાતો આ બાબતે બે ભાગમાં વહેંચાયેલા છે:
તેજીના સમર્થકો: તેઓ માને છે કે જ્યાં સુધી ભૌગોલિક તણાવ અને દેવાના જોખમો રહેશે, ત્યાં સુધી સોનું સુરક્ષિત રહેશે. સેન્ટ્રલ બેંકો પણ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનું ખરીદી રહી છે.
સાવચેતીના સૂરો: કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે જો ઈરાન સંઘર્ષમાં નરમાશ આવે અથવા વ્યાજદરમાં ધરખમ વધારો થાય, તો સોનાના ભાવમાં મોટું કરેક્શન (ઘટાડો) પણ આવી શકે છે.
ભારત પર અસર
ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલો આ વધારો ભારતીય ગ્રાહકો માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બનાવી રહ્યો છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા છે.

