VIDEO: અનિલ અંબાણી પર EDની મોટી કાર્યવાહી: 3 હજાર કરોડની કિંમતની 40થી વધુ મિલકતો કરાઈ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (Anil Ambani Reliance Group) પર મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત ગ્રુપની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી અંદાજે ₹3,084 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. જપ્તીના આ આદેશો 31 ઓક્ટોબર 2025ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 5(1) હેઠળ જારી કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રા વેસ્ટ, પાલી હિલમાં આવેલું તેમનું નિવાસસ્થાન પણ સામેલ છે.
દિલ્હી, મુંબઈથી નોઈડા સુધીની કાર્યવાહી
ED દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની જે મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે:
મુંબઈના પાલી હિલ સ્થિત રહેણાંક બંગલો
નવી દિલ્હીમાં આવેલું રિલાયન્સ સેન્ટર
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ (કાંચીપુરમ સહિત) અને પૂર્વ ગોદાવરીમાં આવેલી મિલકતો.
આ મિલકતોમાં ઓફિસ કોમ્પ્લેક્સ, રહેણાંક એકમો અને પ્લોટનો સમાવેશ થાય છે. PMLA હેઠળ જારી કરાયેલા ચાર અલગ-અલગ આદેશો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
40થી વધુ મિલકતો જપ્ત
રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) દ્વારા એકત્રિત કરવામાં આવેલા જાહેર નાણાંના કથિત દુરુપયોગ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં 40થી વધુ મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી છે. એવો આરોપ છે કે આ ભંડોળને અનિલ અંબાણી ગ્રૂપ સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
યસ બેંક કનેક્શન: 2017-2019 દરમિયાન, યસ બેંકે RHFLમાં ₹2,965 કરોડ અને RCFLમાં ₹2,045 કરોડનું રોકાણ કર્યું હતું. ડિસેમ્બર 2019 સુધીમાં, આ રોકાણો નોન-પરફોર્મિંગ (NPA) થઈ ગયા હતા, જેમાં RHFLના ₹1,353.50 કરોડ અને RCFLના ₹1,984 કરોડ બાકી હતા.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પણ નિશાના પર
EDએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં પણ તપાસ તેજ કરી છે. જેમાં ₹13,600 કરોડથી વધુની લોન ફ્રોડ બહાર આવી છે.
આમાંથી ₹12,600 કરોડ કથિત રીતે સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
₹1,800 કરોડ અન્ય ગ્રુપ કંપનીઓમાં મોકલતા પહેલા ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા.
ED ના જણાવ્યા મુજબ, વેલિડ ટ્રાન્ઝેક્શનના બહાને ભંડોળને અન્ય સંસ્થાઓમાં મોકલવા માટે 'બિલ ડિસ્કાઉન્ટિંગ'નો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો છે.
EDનો સતત વધતો ગાળિયો
તપાસના ભાગરૂપે ED એ અગાઉ અનિલ અંબાણી અને ગ્રુપની 50 સંસ્થાઓ અને 25 વ્યક્તિઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. 24 જુલાઈના રોજ મુંબઈમાં 35 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં, ઓક્ટોબર મહિનામાં EDએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની ધરપકડ કરી છે. આ ધરપકડ નકલી બેંક ગેરંટી કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ કરવામાં આવી છે.

