ED news: 654 કરોડના FDIના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં Myntra પર EDનો સકંજો

ED news: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે ફ્લિપકાર્ટ સમર્થિત મિન્ત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ (મિન્ત્રા) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસ મિન્ત્રા, તેની સહયોગી કંપનીઓ અને ડિરેક્ટરો સામે રૂપિયા 1,654 કરોડના વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ) સંબંધિત કથિત અનિયમિતતાઓ માટે નોંધવામાં આવ્યો છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, મિન્ત્રા અને તેની સંલગ્ન કંપનીઓ સામે આ કાર્યવાહી ફેમાની કલમ 16 (3) હેઠળ કરવામાં આવી છે. ઇડીને નક્કર માહિતી મળી હતી કે મિન્ત્રાએ ભારતની એફડીઆઇની નીતિનું ઉલ્લંઘન કરીને મલ્ટિ-બ્રાન્ડ રિટેલ વ્યવસાયને "હોલસેલ કેશ એન્ડ કેરી" તરીકે રજૂ કર્યો હતો.
આ કેસ ઇડીના બેંગલુરુ અને મિન્ત્રા સ્થિત ઝોનલ ઓફિસ દ્વારા નોંધવામાં આવ્યો છે, તેની સંબંધિત કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, મિન્ત્રાએ પોતાને હોલસેલર વેપારી તરીકે રજૂ કરીને રૂ. 1654 કરોડનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે. જોકે, આમાંથી મોટાભાગની સામગ્રી અન્ય સંબંધિત કંપની - વેક્ટર ઈ-કોમર્સ પ્રાઇવેટ લિમિટેડને વેચવામાં આવી હતી, જે પોતે ગ્રાહકો સુધી ઉત્પાદનો પહોંચાડતી હતી. એટલે કે, મિન્ત્રા ખરેખર B2B (મિન્ત્રાથી વેક્ટર) અને પછી B2C (વેક્ટરથી ગ્રાહકો) માળખું બનાવીને મલ્ટિ-બ્રાન્ડ રિટેલિંગ કરી રહી હતી.
ઇ.ડીએ સ્પષ્ટ કર્યું કે, વેક્ટર ઇ કોમર્સની રચના માત્ર આ જ હેતુથી કરવામાં આવી હતી જેથી રિટેલ વેચાણને બીટુબી તરીકે દેખાડીને નીતિઓને ઉવેખી શકાય. વધુમાં એફડીઆઇના નિયમો મુજબ, કુલ વેચાણના મહત્તમ 25% જ ગ્રુપ કંપનીઓને વેચી શકાય છે, જ્યારે મિન્ટ્રાએ તેના વેચાણનો 100% વેક્ટરને વેચી દીધો હતો, જે તે જ ગૃપની કંપની છે.
આ ઉલ્લંઘન ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર 2010 ના રોજ લાગુ કરાયેલા એફડીઆઇ નિયમોનું સીધું ઉલ્લંઘન છે. ઉપરાંત, તેને ફેમાની કલમ 6(3)(b)નું ઉલ્લંઘન માનવામાં આવે છે. ઇડીએ હવે આ સમગ્ર મામલે ફેમાની કલમ 16(3) હેઠળ અધિકૃત અધિકારી સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

