VIDEO: વાયદા બજારમાં સોના-ચાંદીમાં ભૂકંપ! સોનું ₹3,000થી વધુ અને ચાંદી ₹6,600 તૂટી
Gold-Silver Crash News: આજે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ અને વૈશ્વિક આર્થિક પરિબળોની અસર સીધી સ્થાનિક વાયદા બજાર પર પડી છે. બજાર ખુલતાની સાથે જ સોના-ચાંદીમાં ભારે વેચવાલી (Selling) જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી બંનેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
સોનાના ભાવમાં એકઝાટકે મોટો ઘટાડો
MCX પર ડિસેમ્બર વાયદાના સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) રૂ. 1,53,277 હતો. સોનું આજે રૂ. 1,50,399ના સ્તરે ખુલ્યું હતું અને શરૂઆતના કારોબારમાં વધુ ઘટીને રૂ. 1,50,224 સુધી પહોંચ્યું હતું. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે સોનું રૂ. 1,50,517ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના બંધ ભાવની સરખામણીએ તેમાં રૂ. 2,760 એટલે કે આશરે 1.80 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, દિવસ દરમિયાન સોનામાં રૂ. 3,053થી વધુનો કુલ કડાકો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાવમાં સામાન્ય રિકવરી (Recovery) પણ જોવા મળી હતી.
ચાંદીમાં પણ ભારે ધોવાણ
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો. MCX પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ. 2,34,696 હતો. આજે તે રૂ. 2,32,300ના સ્તરે ખુલ્યા બાદ ઘટીને રૂ. 2,28,035 સુધી પહોંચી હતી. સમાચાર લખાયા ત્યારે ચાંદી રૂ. 2,28,783ની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. અગાઉના બંધ ભાવની સરખામણીએ તેમાં રૂ. 5,913 એટલે કે આશરે 2.52 ટકાનો ઘટાડો થયો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં રૂ. 6,661 જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો, જોકે બાદમાં થોડી રિકવરી જોવા મળી.
ડૉલર મજબૂત થતાં સોના-ચાંદી પર દબાણ
સોના-ચાંદીમાં આવેલા કડાકા પાછળ અનેક વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુએસ ડૉલર ઇન્ડેક્સ (US Dollar Index) અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડ (Treasury Bond Yield)માં મજબૂતી જોવા મળતાં સોના-ચાંદી જેવા નોન-યીલ્ડિંગ એસેટ્સ (Non-Yielding Assets) પર દબાણ વધ્યું છે.
આર્થિક ડેટા પહેલાં રોકાણકારોમાં સાવચેતી
વૈશ્વિક બજારના રોકાણકારોની નજર આગામી મહત્વપૂર્ણ યુએસ આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ (Federal Reserve)ના વ્યાજદર અંગેના વલણ પર છે. મહત્વના આંકડા જાહેર થાય તે પહેલાં ટ્રેડર્સ દ્વારા પ્રોફિટ બુકિંગ (Profit Booking) કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધ્યું છે.
વૈશ્વિક અનિશ્ચિતતાની પણ અસર
કરન્સી માર્કેટમાં અસ્થિરતા અને વૈશ્વિક કમોડિટી માર્કેટમાં સતત વધઘટને કારણે રોકાણકારો હાલ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં થતી હલચલની સીધી અસર MCX પર જોવા મળી રહી છે.

