જગતના તાત પર 74 હજાર કરોડનું દેવું, ડબલ આવકના વાયદાનો ફિયાસ્કો

વિકાસ' અને 'સમૃદ્ધિ'ના દાવાઓ વચ્ચે ગુજરાતના ધરતીપુત્રો દેવાના અસહ્ય બોજ નીચે દબાઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 31મી માર્ચ, 2026 સુધીમાં રાજ્યના ખેડૂતો પર જાહેર ક્ષેત્રની બેન્કોમાં 74,176.52 કરોડ રૂપિયાનું કૃષિ ધિરાણ બાકી છે. આ ચિંતાજનક આંકડા સાથે દેશભરમાં સૌથી વધુ કૃષિ દેવું ધરાવતા રાજ્યોમાં ગુજરાત 10માં સ્થાને રહ્યું છે.
ખેતીના વધતા ખર્ચ-કુદરતી આફતોના મારથી ખેડૂતોની કફોડી સ્થિતિ
એક તરફ, ખેતી કરવી દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. બિયારણથી માંડીને જંતુનાશક દવા, ખાતર સહિત ખેત મજૂરીનો ખર્ચ વધતો જઈ રહ્યો છે. ખેડૂતો કૃષિધિરાણ લેવા મજબૂર થયા છે. અથાક મહેનત પછી પણ ભારે વરસાદ, પૂર-વાવાઝોડું જેવી કુદરતી આફતોના મારને લીધે ખેડૂતોને દર ચોમાસુ સિઝનમાં આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોના માથે દેવું વધી રહ્યું છે. જે રીતે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની ડબલ આવક થશે તેવા વાયદાનો જાણે ફિયાસ્કો થયો છે.
લોકસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, દેશના અન્નભંડાર ગણાતા પંજાબના માથે 48,421.94 કરોડ રૂપિયા જ્યારે હરિયાણાનું 39,786.06 કરોડ રૂપિયા દેવું રહ્યું છે, જે ગુજરાતના ખેડૂતો માથે દેવાના બોજ ઘણું વધુ છે. જોકે, દક્ષિણના રાજ્યો દેવામાં સૌથી મોખરે છે. 3,44,996.64 કરોડ રૂપિયા સાથે તમિલનાડુ દેશમાં પહેલા અને આંધ્ર પ્રદેશ બીજા ક્રમે છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અનુક્રમે 88.5 હજાર કરોડ અને 79.3 હજાર કરોડ રૂપિયા સાથે ગુજરાત કરતાં સહેજ આગળ છે.
સરકારે ભલે આ બાકી રકમને ટેકનિકલ ભાષામાં 'એનપીએ' કે ડિફોલ્ટ લોન ન ગણાવી હોય, પરંતુ 74.000 કરોડ રૂપિયાનો આ આંકડો સાબિત કરવા માટે કાફી છે કે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક સંકટના ચોકઠામાં ખરાબ રીતે ફસાયેલો છે. રિપોર્ટના આંકડા દર્શાવે છે કે દેશના કુલ કૃષિ દેવામાં એકલા ગુજરાતના ખેડૂતોનો હિસ્સો 4.2 ટકા જેટલો મોટો છે. જોકે, આ સરકારી આંકડામાં માત્ર સરકારી બેન્કોની લોન જ સામેલ છે, સહકારી બેન્કો અને ખાનગી સાહુકારોનું દેવું ઉમેરાય તો આ આંકડો ક્યાંય વધુ ભયાનક હોઈ શકે છે.
કેન્દ્ર સરકારે હાથ ખંખેર્યા, ખેડૂતોની આશા ઠગારી નીવડી
નાણા મંત્રાલયે સંસદમાં સાફ શબ્દોમાં વચન નકારી દીધું છે કે, નાના અને સીમાંત ખેડૂતો માટે લોન માફીની કોઈ વિચારણા હેઠળ નથી. ટૂંકમાં કેન્દ્ર સરકારે હાથ ખંખેર્યા છે પરિણામે ખેડૂતોની લોનમાફીની આશા પર પાણી ફરી વળ્યું છે.

