બે અઠવાડિયામાં ભારતના ફોરેક્સ રિઝર્વને 33 અબજ ડોલરનો મોટો ફટકો

મુંબઈ : ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve)માં સતત બીજા અઠવાડિયે મોટો ઘટાડો નોંધાયો છે. 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ 18.34 અબજ ડોલર ઘટીને 747.56 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં પણ તેમાં 14.88 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આમ, માત્ર બે સપ્તાહમાં ભારતના ફોરેક્સ રિઝર્વમાં કુલ 33.22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 25 સપ્ટેમ્બરના સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં 15.57 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને તે ઘટીને 615.41 અબજ ડોલર રહ્યું છે. FCA ભારતના ફોરેક્સ રિઝર્વનો સૌથી મોટો હિસ્સો છે, જેમાં ડોલર, યુરો, પાઉન્ડ અને યેન જેવી વિદેશી કરન્સીની સંપત્તિનો સમાવેશ થાય છે.
આ સમયગાળા દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વમાં પણ 2.59 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ગોલ્ડ રિઝર્વ ઘટીને 108.70 અબજ ડોલર થયું છે. આ ઉપરાંત સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) હોલ્ડિંગમાં 97 મિલિયન ડોલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ભારતની રિઝર્વ પોઝિશનમાં 86 મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે.
આ પહેલાં 18 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં પણ ભારતનું ફોરેક્સ રિઝર્વ 14.88 અબજ ડોલર ઘટીને 765.90 અબજ ડોલર થયું હતું. સતત બે સપ્તાહના ઘટાડાને કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

