VIDEO: અદાણી કેસમાં અમેરિકા નમ્યું! USએ કેમ પાછો ખેંચવો પડ્યો આખો કેસ? જાણો 6 મુખ્યો કારણો
અમેરિકી ન્યાય વિભાગ (DOJ) એ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પાછો ખેંચવાના પોતાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. અમેરિકી ન્યાય વિભાગે ત્યાં સુધી કહી દીધું છે કે, આ કેસ એક વર્ષ પહેલાં જ બંધ કરી દેવો જોઈતો હતો અથવા તો તેની શરૂઆત જ નહોતી કરવી જોઈતી.
નોંધનીય છે કે વર્ષ 2024માં બાઇડેન વહીવટીતંત્ર હેઠળ ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ પર આશરે 25 કરોડ ડોલર (લગભગ 2,150 કરોડ રૂપિયા)ની કથિત લાંચ યોજનામાં સામેલ હોવાનો અને અમેરિકી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. એવો આક્ષેપ હતો કે આ કથિત યોજના દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ અમેરિકી રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા 17,5 કરોડ ડોલર (આશરે 1,500 કરોડ રૂપિયા) એકત્ર કર્યા હતા.
અમેરિકી ન્યાય વિભાગે શું કહ્યું?
અમેરિકી ન્યાય વિભાગે ફેડરલ કોર્ટમાં દાખલ કરેલા 10 પાનાના વિગતવાર જવાબમાં જણાવ્યું હતું કે આ કેસ કાયદાકીય રીતે નબળો હતો, અમેરિકાની વિદેશ નીતિના હિતોની વિરુદ્ધ હતો અને ટ્રમ્પ વહીવટીતંત્રની નવી અમલીકરણ નીતિને સુસંગત પણ નહોતો. ન્યાય વિભાગે ઉમેર્યું કે, જો સરકારી વકીલોએ કેસ પાછો ખેંચવાના નિર્ણયોને જાહેરમાં યોગ્ય ઠેરવવા પડ્યા, તો ભવિષ્યમાં કેસ પાછો ખેંચવામાં ખચકાટ ઊભો થશે. આનાથી આંતરિક અને ગુપ્ત ચર્ચાઓ જાહેરમાં આવી જશે અને ચાર્જ લગાવવાના નિર્ણયો પર એક્ઝિક્યુટિવ બ્રાન્ચ (કારોબારી શાખા)ના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થશે.
અમેરિકી ન્યાય વિભાગે આ જવાબ અમેરિકી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારૌફિસ દ્વારા સ્પષ્ટતા માંગ્યા બાદ આપ્યો છે. ન્યાયાધીશે DOJ ને પૂછ્યું હતું કે તેઓ આખરે ચાર્જશીટને કાયમી ધોરણે કેમ રદ કરવા માંગે છે. ન્યાયાધીશે વિભાગની અગાઉની ટૂંકી અરજીને અપૂરતી અને અસ્પષ્ટ ગણાવી હતી.
પ્રિન્સિપલ એસોસિએટ ડેપ્યુટી એટર્ની જનરલ આર. ટ્રેન્ટ મેકકોટરે જણાવ્યું હતું કે તેઓએ બચાવ પક્ષના વકીલો સાથે અસંખ્ય બેઠકો કરી, સેંકડો પાનાના દસ્તાવેજોની સમીક્ષા કરી અને સ્વતંત્ર કાયદાકીય વિશ્લેષણ કર્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે કેસને આગળ ધપાવવાનો કોઈ આધાર નથી. તેમણે કહ્યું કે આ નિર્ણય લેવો બિલકુલ મુશ્કેલ નહોતો.
વિભાગે તમામ આરોપો પાછા ખેંચવાના 6 મુખ્ય કારણો આપ્યા
કથિત પ્રવૃત્તિઓ મુખ્યત્વે ભારતમાં થઈ હતી: આખી ઘટના ભૌગોલિક રીતે ભારત સાથે જોડાયેલી હતી.
ભારતીય સત્તાવાળાઓ દ્વારા તપાસ: ભારતીય સત્તાવાળાઓએ આ આરોપોની તપાસ કરી હતી અને તેમાં કોઈ પણ કાનૂની પગલાં લેવા યોગ્ય ગેરરીતિ જણાઈ નહોતી.
રોકાણકારોને નુકસાન નહીં: આ મામલામાં રોકાણકારોને કોઈ નાણાકીય નુકસાન થયું ન હતું.
પુરાવા અને સાક્ષીઓ વિદેશમાં: કેસના મુખ્ય પુરાવા અને સાક્ષીઓ અમેરિકાની બહાર (વિદેશમાં) હતા.
કોર્ટમાં હાજરીની ઓછી શક્યતા: આરોપીઓ ક્યારેય અમેરિકી કોર્ટમાં રૂબરૂ રજૂ થાય તેવી શક્યતા નહિવત હતી.
પુરાવા સંબંધિત પડકારો: પ્રક્રિયા દરમિયાન અભિયોજન પક્ષ (સરકારી વકીલ)ને પુરાવા એકત્રિત કરવા અને સાબિત કરવા અંગેના મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો.

